વારંવાર બદલી અને ટોર્ચરિંગથી કંટાળી વિસાવદરના યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
કેશોદમાં રહેતા અને 108માં પાયલોટીંગ કરતા યુવાને ઉચ્ચ અધિકારીઓનાં ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાણ કર્યો હોવાનું સામે આવ્યું છે. મુળ વિસાવદરના યુવાને ઘઉંમાં નાખવાના ટિકળા પી લેતા તેને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદરમાં રહેતા અને હાલ કેશોદમાં 108નું પાયલોટીંગ કરતા મહેન્દ્રભાઈ ભીખુભાઈ દવે નામના 37 વર્ષનાં યુવાને ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા તેને કેશોદ બાદ જૂનાગઢ બાદ અત્રે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની મળતી વધુ વિગત મુજબ મહેન્દ્ર દવેને તેના ઉચ્ચ અધિકારી જયેશ કારાણી અને વિકૃત જોષી માનસીક ટોર્ચર કરતા હતા. બંને ઉચ્ચ અધિકારીઓએ મહેન્દ્રને પહેલા કેશોદ, ઉના, ભૂજ, હારીજ બાદ વિસાવદર બદલીઓ કરી હતી.
અવાર નવાર બદલી કરી માનસીક ત્રાસ ગુજારતા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વિગતની નોંધ કરી મહેન્દ્ર દવેના નિવેદનથી બંને ઉચ્ચ અધિકારીઓ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.