ખારાનું ડેમ ઓવર ફ્લો થતા ખેડુતો તેમજ ગામ લોકોમાં ખુશીનો માહોલ
કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ખરેડી, નિકાવા, જશાપર, મોટાવડાળા, પાતામેઘપર, પીઠડીયા, જુવાનપર, રાજડા, બેડીયા, નાનાવડાળા, ગુંદા, મેરીયા, કાલમેઘડા સહિતના ગામોમાં મેઘો મહેરબાન બન્યો હતો.
કાલાવડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. કાલાવડ તાલુકાના ખરેડી ગામે ગઇકાલે બપોરના 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા ખરેડી ગામ બેટમાં ફેરવાઇ જવા પામ્યું હતું. ખરેડી ગામની સરકારી પ્રાથમિક ક્ધયા શાળામાં અને ઓફિસમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. તાત્કાલીક બાળકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જ્યારે તાલુકાના મોટાવડાળા ગામે ઉપરવાસમાં વરસાદના કારણે મોટાવડાળાની સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાવા પામી હતી. ગામ લોકો નદીનું પુર જોવા ઉમટી પડ્યા હતા. મોટાવડાળા ગામની સ્થાનિક નદીમાં પુર આવતા મોટાવડાળાથી કાલાવડનો રસ્તો પણ બંધ થતા અવર-જવર ચારથી પાંચ કલાક અટકી જવા પામેલ હતી. જ્યારે તાલુકાના નિકાવા ગામે બે થી ત્રણ કલાકમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડતા નિકાવા નજીક આવેલ ખારાનું ડેમ ઓવર ફ્લો થતા ખેડુતો તેમજ ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કાલાવડના નાનાવડાળા ગામે સ્કુલ બસ નદીમાં ખાબકી: 9 બાળકોને રેસ્ક્યુ કરી બચાવ
કાલાવડ તાલુકાના નિકાવા પાસે નાના વડાળા ગામે સ્કુલ બસ નદીમાં ખાબકી, શાળાના 9 બાળકોને બચાવવા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સમગ્ર પંથકમાં હાલ ભારે વરસાદની આગાહી છે. કાલાવડ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં કાલે બપોરના સુમારે કાલાવડ તાલુકાના નિકાવા ગામની નજીક આવેલ નાનાવડાળા ગામે એક ઘટના સામે આવી હતી. નાના વડાળા ગામે પાણીનો ધસમસતા પ્રવાહ વચ્ચે નેશનલ વિદ્યાલય, લોધિકાની ખાનગી શાળાની બસ પાણીના પ્રવાહમાં પલટી જતા એક તબક્કે સૌના જીવ પડીકે બંધાયા હતા. જે ઘટનાની જાણ થતા જ ગામ લોકો અને કાલાવડ ફાયર બ્રિગેડની જહેમતથી વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કઢાયા હતા અને સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન હતી. કાલાવડ મામલતદારે આપેલી માહિતી મુજબ આ બસમાં 1 ડ્રાઇવર, 2 શિક્ષક અને 9 વિદ્યાર્થીઓને બહાર સહી સલામત કાઢવામાં આવ્યા હતા અને તમામ લોકો સુરક્ષિત હોવાનું કાલાવડ મામલતદારે જણાવ્યું છે.