હિંદુ સંસ્કૃતિમાં ગાયને એક પ્રાણી નહીં પરંતુ માતાનો દરજ્જો અપાયેલો છે અને તેને કામધેનુ માનવામાં આવી છે. વિશ્વમાં જોવા મળતી વિવિધ જાતની ગાયમાં કાંકરેજ ગાય સૌથી જાતવાન ગણાય છે. જાતવાન કાંકરેજ ગાય દૈનિક ૧૨થી ૧૫ લીટર અને વેતરનું અઢીથી છ હજાર લીટર જેટલું દૂધ આપે છે. આ ગાય સમજદાર અને સુંદર-તેજસ્વી ગણાય છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળતી કાંકરેજ ગાયની સંખ્યા ઘટી રહી છે. ત્યારે, કાંકરેજના સંવર્ધન અને જતન માટે સૌરાષ્ટ્ર-કચ્છની વિવિધ ગૌસંસ્થાઓએ એક થઈ પ્રયાસો શરૂ કર્યાં છે. જે અંતર્ગત આજથી કચ્છમાં ત્રિદિવસીય કામધેનુ કાંકરેજ યાત્રાનું આયોજન કરાયું છે.
નખત્રાણાના કોટડાથી શરૂ થયેલી આ યાત્રા ૧૮મીએ અંજારના ખંભરામાં વિરામ પામશે. યાત્રામાં જળક્રાંતિ, ગીર ગાય ક્રાંતિ, કાંકરેજ ગૌક્રાંતિ વગેરે સંસ્થાના કાર્યકરો જોડાશે. યાત્રા અંતર્ગત દેશી ગાય આધારીત કૃષિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા વિવિધ ૯ સ્થળે કાંકરેજના જતન અંગેનો સંદેશ આપશે. કાંકરેજ ગાયની સંખ્યા ૧૧ લાખ પર પહોંચાડવાના આશયથી આયોજીત આ યાત્રા અંતર્ગત જળક્રાંતિ ટ્રસ્ટે લખપતના કૈયારી ગામના એક ગોપાલક પાસેથી ૨.૫૧ લાખની ઊંચી કિંમતે જાતવાન કાંકરેજ ગાય ખરીદી છે જે ૧૮મીએ ખંભરાના દિપક પટેલની નર્મદા કાંકરેજ ગૌશાળાને અર્પણ કરશે.