તંબાકુ, ગુટખાના વ્યવસનથી ૧૧.૫ લાખ લોકો કેન્સરથી પીડિત
દેશમાં તમાકુ, ગુટખા, શરાબ જેવા વ્યસનોમાં વધારો થતાં જીવલેણ રોગ કેન્સર પણ વધુ પ્રસરી રહ્યું છે. આજે દર પાંચ ઘરમાં બે કેન્સરના દર્દીઓ મળી આવે તો કોઈ નવાઈ નથી. એવામાં છેલ્લા છ વર્ષમાં મોઢાના કેન્સરમાં ૧૧૪ ટકાનો વધારો થયો છે. ઈન્ડિયન કાઉન્સીલ મેડિકલ રીસર્ચના જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ સામે આવ્યું હતું કે, આ વર્ષે દેશમાં ૧૧.૫ લાખ કેન્સરના કેસો નોંધાયા છે જયારે ૨૦૧૨માં ૧૦ લાખ દર્દીઓ નોંધાયા હતા.
ટાટા મેમોરીયલ હોસ્પિટલના નિષ્ણાંતે જણાવ્યું હતું કે, પ્રદૂષણ તેમજ વ્યસનને કારણે કેન્સર જેવા જીવલેણ રોગોમાં સતત વધારો થઈ ચૂકયો છે. ત્યારે મેડિકલોએ પણ ડાયગ્નોસ્ટીક ટેકનોલોજી જેવી આધુનિક સુવિધાઓની તૈયારી રાખવી પડશે. સૌરાષ્ટ્રમાં પાન, તંબાકુ, ફાકીના અને ધુમ્રપાનના બંધાણીઓની કમી નથી તો ગુજરાતમાં પણ ગત વર્ષે કેન્સરના સૌથી વધુ દર્દીઓ નોંધાયા હતા. નવા અભ્યાસ મુજબ સામે આવ્યું છે કે, કેન્સર સંબંધીત મૃત્યુઆંકમાં ૧૨ ટકાનો વધારો થયો છે. જેનો આંકડો આ વર્ષે ૭.૮ લાખ જેટલો વધ્યો છે.
ડો.રવિ મહેરોતરાએ જણાવ્યું હતું કે, ઓરલ કેવીટી અને લીપ કેન્સરમાં વધારો થવાની સાથે બ્રેસ્ટ કેન્સર અને સ્વાઈન ફલુ જેવા રોગો પણ વકર્યા છે. ૨૦૦૮માં ૧.૬ લાખ દર્દીઓ ઓરલ કેન્સરના હોવાનું સામે આવ્યું છે ત્યારે મહિલાઓમાં સર્વિકલ કેન્સરમાં ૨૧ ટકાનો ઘટાડો આવ્યો છે. ડો.મહેરોતરાએ કહ્યું કે, બદલતી લાઈફ સ્ટાઈલને કારણે જે રોગોમાં વધારો થઈ રહ્યો છે તેના માટે અદ્યતન ટેકનોલોજી, મેડિકલ સંશાધનોનો વધારો કરાયો છે પરંતુ ગર્ભધારણ તેમજ બોડી ચેકઅપ અંગે લોકોએ જાગૃત થવું પડશે.
એક દશકા પહેલા મુંબઈમાં ૧ લાખની જનસંખ્યા સામે માત્ર ૧૭ કેન્સરના કેસો હતા. ત્યારે હવે આ રોગ વધુને વધુ જટીલ બનતા દર ત્રણ ઘરે એક કેન્સરનું દર્દી મળી આવે છે.