આ વર્ષે ખુશીની વાત એ છે કે ધાર્યા એ પ્રમાણે ચોમાસુ એક અઠવાડિયા વહેલું આવી ગયું છે. સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે મુંબઇમાં ચોમાસું આવ્યા બાદ એક અઠવાડિયે ગુજરાતમાં ચોમાસું આવે છે પરંતુ આ વખતે મુંબઇ અને ગુજરાતમાં એક સાથે ચોમાસાનું આગમન થયું છે. મુંબઇમાં છેલ્લા કેટલાક કલાકોથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
મુંબઇમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયા હતા. ખાસ કરીને ભારે વરસાદને કારણે થાણે, બાંદ્રા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સાયન સ્ટેશન પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા અનેક લોકલ ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી.
મુંબઇ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
મુંબઇમાં ગોઠણડૂબ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઇ ગયું છે. કુર્લા સીએમએમટી વચ્ચે લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
આ સિવાય બાંદ્રા, હિંદમાતા અને ચેંબુરમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયું છે.
IMDના જણાવ્યા પ્રમાણે દક્ષિણ મુંબઇનું પ્રતિનિધત્વ કરતા કોલાબા વેધશાળામાં છેલ્લા 24 કલાકમાં 77.4 મીમી વરસાદ નોંધાયો છ.
જ્યારે સાંતાક્રૂઝ વેધશાળામાં 59.6 મીમી વરસાદ નોંધાયો છે. બીએમસીના જણાવ્યા પ્રમાણે શહેર, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમી ઉપનગરોમાં બુધવારે સવારે ભારે વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પાંચથી છ દિવસ મૂશળધાર વરસાદ પડી શકે છે.
ખાસ કરીને મુંબઇ, પુણે અને કોંકણના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને પગલે મુંબઇમાં નિચાણવાળા વિસ્તારોમાં કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
પહેલો વરસાદ અને મુંબઇ પાણી પાણી…જનજીવન અસ્તવ્યસ્ત, જુઓ વીડિયો