કર લો દુનિયા મૂઠી મે…
૧.૬ લાખ કરોડ રૂપિયાની ડેપ્ટની સામે કંપનીએ ૧.૧૬ લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા
વૈશ્ર્વિક મહામારીમાં તમામ ધંધા-રોજગારો બંધ હાલતમાં જોવા મળ્યા હતા જેમાં અમુક ઉધોગોનાં શટર પણ પડી ગયા હોવાનું સામે આવ્યું હતું. આ તકે રિલાયન્સે લોકડાઉનનાં સમયમાં જ સૌથી વધુ ૧૧ મહત્વપૂર્ણ કરારો કરી કંપનીને ઝીરો ડેપ્ટ ધરાવતી કંપની બનાવી છે. રિલાયન્સ ઉપર ૦.૦૬ લાખ કરોડ રૂપિયાની ડેપ્ટની ભરપાઈ કરવા માટે ડિસેમ્બર ૨૦૨૦નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેને કંપનીએ માત્ર ૬૩ દિવસમાં જ પૂર્ણ કરી દીધો છે. સાથોસાથ કંપનીનાં શેરોમાં પણ અનેકગણો ઉછાળો જોવા મળ્યો છે. તમામ રોકાણકારોમાં એક સૌથી મોટો પ્રશ્ર્ન એ ઉદભવિત થઈ રહ્યો છે કે રિલાયન્સની સફળતા પાછળનું કારણ શું?
રિલાયન્સ કંપની તેની વિશેષ સ્ટ્રેટેજી માટે હરહંમેશ લોકમુખે ચર્ચિત રહી છે. કંપની જે કોઈ પ્લાન બનાવે છે તેનું એકઝીકયુશન ત્વરીત કરે છે તેનો ફાયદો કંપનીને સીધો જ મળે છે. કંપનીનું લક્ષ્યાંક અને તેનું વિઝન અસરકારક હોવાથી કંપની દરેક સ્તર પર ખુબ સારું પ્રદર્શન પણ કરી શકે છે. રિલાયન્સ કંપની હરહંમેશ તેના પ્રોજેકટ સમય કરતા પહેલા જ પુરા કરે છે અને દુરંદેશી નીતિને અમલી બનાવી અન્ય કંપનીઓની સરખામણીમાં ખુબ મોટા ટાર્ગેટોને સર કરે છે. વિદેશની ૧૧ મોટી કંપનીઓ સાથે મહત્વપૂર્ણ કરારો કરી રિલાયન્સે તેની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો કર્યો છે સાથો સાથ કંપનીને ઝીરો ડેપ્ટ કંપની બનાવવાનો લક્ષ્યાંક પણ નજીવા સમયમાં પૂર્ણ કર્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે ફેસબુકનો કરાર થતાની સાથે જ કંપનીને ૪૩,૫૭૩ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે તેવી જ રીતે જીયોમાં સિલ્વર લેક પાર્ટનરે ૧.૧૫ ટકાનો સ્ટેક મેળવી ૫૬૫૫ કરોડ રૂપિયાનું પણ રોકાણ કર્યું છે. વિસ્ટા ઈકવીટી પાર્ટનરે પણ રિલાયન્સમાં પણ ૨.૩૨ ટકાનો સ્ટેક મેળવી ડિજિટલ સર્વિસને પ્રાધાન્ય મળે તે માટે ૧૧,૩૬૭ કરોડનું રોકાણ કર્યું છે. જનરલ એન્ટાલન્ટીક કંપનીએ રિલાયન્સમાં ૬૫૯૮ કરોડ રૂપિયા, કેકેઆર દ્વારા ૧૧,૩૬૭ કરોડ રૂપિયા, મુબાદલા દ્વારા ૯૦૯૩ કરોડ રૂપિયા સાથો સાથ સિલ્વર લેક પાર્ટનરનાં સહ રોકાણકારો દ્વારા ૪૫૪૬ કરોડ રૂપિયા, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટી દ્વારા ૫૬૮૩ કરોડ રૂપિયા, ટીપીજી દ્વારા ૪૫૪૬ કરોડ રૂપિયા, એલ કેટરટન દ્વારા ૧૮૯૪ કરોડ રૂપિયા તથા સાઉદી અરેબીયાની પબ્લીક ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા ૧૧,૩૬૭ કરોડ રૂપિયાનાં રોકાણ થકી રિલાયન્સે કુલ ૧.૧૬ લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે અને કંપની ઝીરો ડેપ્ટ કંપની તરીકે પણ પ્રસ્થાપિત થઈ છે. આ તમામ કરારો થકી રિલાયન્સનાં શેરોનાં ભાવમાં પણ અનેકગણો ઉછાળો જોવા મળ્યો છે. આ તમામ કરારો થકી કંપનીની જે બ્રાન્ડ વેલ્યુમાં વધારો જોવા મળ્યો છે તેનો લાભ કંપનીને આવનારા સમયમાં મળવાપાત્ર રહેશે. અનિલ અંબાણી દ્વારા ટેલિકોમ વ્યવસાયમાં જયારે પગપેસારો કર્યો હતો તેજ વ્યવસાયમાં જ અનિલ અંબાણી નાદારીનાં દ્વારે આવી પહોંચ્યા હતા પરંતુ સમય આવતાની સાથે રિલાયન્સ જીયો તમામ ટેલિકોમ કંપનીને હંફાવી રહ્યું છે અને દેશનાં ટેલિકોમ ક્ષેત્રમાં પોતાનું આધિપત્ય પણ સાબિત કરી રહ્યું છે જેનું મુખ્ય કારણ કંપનીની સ્ટ્રેટેજી અને સમય પહેલા પ્રોજેકટો પૂર્ણ કરવાની નીતિ કંપનીને અત્યંત ફાયદો અપાવે છે.