ગોડાઉનમાંથી ૫૪ એસી, ૨૯ ફ્રિઝ અને પાંચ વોશિંગ મશીનની ઉઠાંતરી કરનાર ચોકીદાર સહિત બે ઝડપાયા: ૧૬.૪૭ લાખનો મુદામાલ કબ્જે
જૂનાગઢ પોલીસ દ્વારા બાતમીદાર દ્વારા મળેલ બાતમી આધારે ઇલેક્ટ્રોનિક્સ સામાનના ગોડાઉનમાં થયેલ લાખોના સામાનની ચોરીના ગુન્હાના આરોપીઓને પકડી પાડી, ચોરી કરવામાં આવેલ આશરે રૂ. ૧૭ લાખનો મુદામાલ કબજે કરી, ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ, અમૃતરાજ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ સામાનના ત્રણ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર એવા ફરિયાદી રજનીકાંત ઉર્ફે રાજુભાઇ હરિભાઈ વાછાણી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ અંગે ડીવાયએસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા આ ચોરીમાં આ ગોડાઉનમાં જ ચોકીદાર તરીકે કામ કરતા રાજુભાઇ બચુભાઇ બાવાજી તથા તેના મળતીયા સચિન દિલીપભાઈ ચૌધરી સંડોવાયેલ હોવાનું તથા ગોડાઉનમાં વેરીફાય કરતા, ગોડાઉનમાંથી ૫૪ એ.સી., ૨૯ ફ્રીજ, ૫ વોશિંગ મશીન મળી, કુલ કિંમત રૂ. ૨૧,૧૧,૩૭૪ ની ચોરી થયાનું સામે આવ્યું હતું. બાદમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, મળેલ બાતમી આધારે શહેરના ભારત મીલના ઢોરા ખાતે રહેતા રાજુભાઇ બચુભાઇ રાયપરા (ઉવ. ૨૮) તથા જોષીપરા, નંદનવન રોડ, માધવ એપાર્ટમેન્ટ પાછળ રહેતા સચિન દિલીપભાઈ ચૌધરી (ઉવ. ૨૩) ને પકડી પાડી, સઘન પૂછપરછ કરવામાં આવતા, છેલ્લા એકાદ વર્ષના ગાળામાં થોડા થોડા કરીને ગોડાઉનમાંથી રાત્રીના સમયે એ.સી., ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન, એલઇડી ટીવી, વિગેરે સામાનની ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. બાદમાં એ ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી, પોલીસ રિમાન્ડની માંગણી કરતા, કોર્ટ દ્વારા દિન ૦૩ ના પોલીસ રીમાન્ડ મેળવી, પૂછપરછ કરતાં બને આરોપીઓ પોપટ બની ગયા હતા અને બંને આરોપીઓ દ્વારા કરવામાં આવેલ કબૂલાત આધારે જૂનાગઢ, ભાણવડ, વિગેરે જગ્યાએથી જુદી જુદી કંપનીના એર કંડીશન નંગ ૪૦, ફ્રીજ નંગ ૧૧, વોશિંગ મશીન ૮, ટીવી ૧, ઓવન ૧, એસી નું આઉટડોર નંગ ૨, દાઢી કરવાના ટ્રિમર નંગ ૮ મળી કુલ રૂ. ૧૬,૪૬,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો.