જૂનાગઢમાં શહેર કોંગ્રેસ દ્વારા ખાડાઓની પૂજા કરી રજૂઆતનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે મનપા દ્વારા શહેર ના લોકો ઉપર ૪૫ % જેટલો કરવેરાનો વ્યાપક વધારો જીકવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ શહેરના તમામ વિસ્તારોના રસ્તાઓ ધોવાઈ ગયા છે. અને ભ્રષ્ટાચારની બું આવી રહી છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે, અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ગઇકાલે શહેરના રસ્તાના ખાડાઓની પૂજા કરવામાં આવી હતી અને સરકારની આંખો ખુલે તે માટે ઢોલ નગારા વગાડી આંખો ખોલવાનો પ્રયત્ન કરી, જુનાગઢ ના લોકોનો અવાજ બની કોંગીજનો એ નવતર વિરોધ નોંધાવ્યો હતો.
ગાંધીજીની પ્રતિમા સામે દેશના રાષ્ટ્રપતિ અને લોકો માટે હંમેશા લડત આપનાર પ્રણવમુખરજીને કોંગીજનો એ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી, બાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ ની આગેવાની હેઠળ કોંગીજનો જૂનાગઢના રોડ-રસ્તાઓને લઈ લોકોનો અવાજ બની ઢોલ નગારા વગાડી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ખાડાઓનું નગર બની ગયેલ જુનાગઢ શહેરના રોડ રસ્તાના ખાડાઓની શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ, હોદેદારો, કાર્યકરો, મહિલાઓ, અને બાળકોના હાથે પૂજા કરી નવતર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.