રાજ્યના મુખ્યમંત્રી એ મીઠા ટોણા સાથે મનપાના શાસકોને કાળવાના વોકળા પરના દબાણો તથા જૂનાગઢના બિસ્માર રસ્તાઓ બાબતે સાનમાં અને જાહેરમાં સમજાવી ગયા હતા. તે સાથે દિવાળી પહેલા જુનાગઢના રસ્તાઓ સારા કરી દો તેવી શિખામણ પણ જાહેર મંચ પરથી આપી ગયા હતા. તો બીજી બાજુ દિવાળીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જૂનાગઢમાં ફરી એક વખત રસ્તાના ખોદાણની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ જવા પામેલ છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ બન્યા પછી વિવિધ કામો માટે ફરી રોડ તોડવાનો સિલસિલો યથાવત રાખવામાં આવતા પ્રજાજનોમાં ફરી નારાજગી અને રોષ ભભૂકીઓ છે. તો આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા રસ્તા તૂટવાના શરૂ થશે અને ધૂળ ઉડતી હશે ત્યાં અમો આશ્ચર્યજનક કાર્યક્રમ આપશું તેવો લલકાર કર્યો છે.જૂનાગઢના પ્રજાજનો છેલ્લા પાંચ વર્ષથી રસ્તાઓ બાબતે અનેક મુશ્કેલીઓ, તકલીફો અને યાતનાઓ ભોગવી રહ્યા છે.
વર્ષોથી રસ્તા મુદ્દે દુ:ખી જુનાગઢના શહેરીજનોની આ વખતની દિવાળીયેે બગડશે
કારણ કે, જૂનાગઢમાં ભૂગર્ભ ગટર, ગેસની પાઇપલાઇન સહિતની સુવિધાઓ વધારવા માટે એક પછી એક કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને હાલમાં પણ ચાલુ છે. જેના કારણે જૂનાગઢ શહેરના રસ્તાઓ વર્ષોથી તૂટેલા, ફૂટેલા અને ધૂળની ડમરીઓ ઉડાડતા લોકો જોઈ રહ્યા છે. અને છેક ગાંધીનગર અને દિલ્હીના ઉચ્ચ સ્થાને બેઠેલા પ્રજાના પ્રતિનિધિઓ આ બાબતથી વાકેફ છે. પરંતુ અમો વિકાસના કામો કરી રહ્યા છે તે વાતો આગળ ધરી અનેક વખત રસ્તાઓ તોડવામાં આવ્યા છે ફરી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. અને ફરી ફરીને નવી કામગીરી માટે આ રસ્તાઓને તોડવામાં આવતા જૂનાગઢના નગરજનોના ટેક્સના અને સરકારના કરોડો રૂપિયાનું ધૂળધાણી થઈ જવા પામ્યા હોવાના વારંવાર અનેક આક્ષેપો મનપાના જનરલ બોર્ડમાં અને વિવિધ પક્ષો તથા નાગરિકો દ્વારા તંત્ર સમક્ષ ઉઠવા પામ્યા છે. અને આ બાબતની સરકાર સુધી વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે.
આ બાબતે તાજેતરમાં જ જૂનાગઢના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ જાહેર સભામાં જાહેર મંચ ઉપર જાહેરમાં જુનાગઢ મનપાના પદાધિકારીઓને ટોણો મારીને મીઠી ભાષામાં સાનમાં સમજાવતા ઈશારા કર્યા હતા અને “હવે દિવાળી સુધીમાં રોડ બની જશે ?” તેવો મંચ ઉપરથી મનપાના પદાધિકારીઓને પ્રશ્ન પણ પૂછતા, “ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે” તેવી વાતો મનપાના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવતા મુખ્યમંત્રીએ જૂનાગઢના રસ્તાઓ દિવાળી સુધીમાં થઈ જશે તેવી આશા જુનાગઢ વાસીઓની જેમ વ્યક્ત કરી હતી. પરંતુ આ દરમિયાન જૂનાગઢના અનેક રસ્તાઓ ઉપર ફરી ખોદાણની કામગીરી શરૂ થતા જુનાગઢ વાસીઓમાં ફરી વખત ડર પેસી ગયો છે કે, આ વખતની દિવાળી પણ ધૂળની ડમરીઓ વચ્ચે મનાવવી પડશે.