પોસ્ટ ઓફીસમાં સેવીંગ એકાઉન્ટ ખોલી નાના રોકાણકારોને ચુનો ચોપડી એજન્ટ રફુચકકર
ઠગ પિતા-પુત્ર સામે નોંધાતો ગુનો: પોલીસ તપાસનો ધમધમાટ
ઐતિહાસિક અને ધાર્મિક શહેર જૂનાગઢમાં વધુ એક મસમોટું કૌભાંડ બહાર આવવા પામ્યું છે. અને પોસ્ટ ઓફિસમાં મંથલી સેવિંગ એકાઉન્ટ સહિતના વિવિધ એકાઉન્ટ ધરાવતા લોકોના ડુપ્લીકટ પાસબુક બનાવી લાખોથી લઈને કરોડો રૂપિયા જુનાગઢનો એક એજન્ટ ચાઉં કરી જઈ, ઘર અને ઓફિસને તાળાં મારી રફુચક્કર થઈ જતાં ગઈકાલે આવા છેતરાયેલા ગ્રાહકો મોટી સંખ્યામાં જૂનાગઢની પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને હોબાડો મચી જવા પામ્યો હતો, દરમિયાન છેતરાયેલા પૈકી એક ગ્રાહક દ્વારા આ એજન્ટ તથા તેના પુત્ર સામે રૂ. ૩૫.૮૯ લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.
ગઈકાલે જૂનાગઢની ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ ગ્રાહકો દ્વારા હોબાળો મચાવતા આ લોકોનો એવો આક્ષેપ હતો કે જૂનાગઢ પોસ્ટ ઓફિસના એજન્ટ એવા ભારત નારણભાઈ પરમાર અને તેના પુત્ર તુષાર દ્વારા પોસ્ટ ઓફિસમાં તથા અન્ય જગ્યાએ તેમના દ્વારા ઘણા લાંબા સમયેથી મંથલી સહિતના વિવિધ યોજના અંતર્ગત રૂપિયા ભરવામાં આવ્યા હતા પરંતુ નિયમિત રીતે ઉઘરાવાતા આ રૂપિયા પોસ્ટ ઓફિસમાં આ એજન્ટ દ્વારા જમા કરાવવામાં આવેલા નથી ત્યારે આવા એજન્ટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ અને જે ગ્રાહકોએ રૂપિયા ભર્યા છે તે રકમ પાછી મળવી જોઈએ.
ગ્રાહકોના જણાવ્યા અનુસાર જુનાગઢની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે જુનાગઢ પોસ્ટ ઓફિસના આ રફુચક્કર થઈ ગયેલા ભરત પરમાર અને તેના દીકરા તુષાર દ્વારા એકાઉન્ટ ખોલી તેના માણસ દ્વારા નિયમિત રીતે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા માટે રૂપિયા ઉઘરાવવામાં આવેલ હતા અને એ પાસ બુક ઉપર પોસ્ટ ઓફિસના સિક્કા અને અધિકારીની સહીઓ હોવા છતાં પોસ્ટ ઓફિસમાં જે તે વ્યક્તિઓના એકાઉન્ટ જ ન હોવાનું સામે આવ્યું હતું અને ગ્રાહકો દ્વારા તપાસ કરાવવામાં આવતાં ભરત પરમાર દ્વારા આપવામાં આવેલ પાસબુક ડુપ્લિકેટ હોવાનું પ્રારંભિક તબક્કે સામે આવેલ છે અને ભરત પરમાર ની એજન્સી પણ રદ કરવામાં આવેલ હોવાનું ખુલતાં ગ્રાહકોને રાતા પાણીએ રોવાનો સમય આવી પાડયો છે.
એક ગ્રાહકના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી પોસ્ટ ઓફિસના આ કલાબાજ એજન્ટ મારફત રૂપિયા જમા કરાવતા હતા પરંતુ આ ગ્રાહકનું ખાતું જ પોસ્ટ ઓફિસમાં ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મહિલા દ્વારા તેમની દિકરીના લગ્ન પ્રસંગ માટે જમા કરવામાં આવેલ રકમ પોસ્ટ ઓફિસમાં જમા ન થયેલ હોવાની અને તેમનું ખાતું પણ રદ થયું હોવાનું સામે આવતાં આ સહિત અનેક મહિલાઓ અને ગ્રાહકો દ્વારા પોતાની માંડ બચાવેલી મૂડી આ ભેજાબાજ શખ્સ છેતરપિંડી કરી લઈ ગયા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા હતા.
જો કે આ બાબતે જૂનાગઢની નવી કલેકટર કચેરી સામે રહેતા વેજાનંદભાઈ ઉર્ફે વેજાભાઈ ગોવિંદભાઈ ભાતું એ ભરત પરમાર અને તેના તુષાર ભરત પરમાર સામે પોતાના અને સાહેડોના રૂપિયા પોસ્ટ ઓફિસમાં તથા અન્ય જગ્યાએ રોકાણ કરાવી, પોસ્ટ વિભાગની ખોટી પાસ બુકો ઊભી કરી, પહોંચ બનાવી, બંને શખ્સોએ રૂ. ૩૫,૮૯,૭૫૦ ની છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઐતિહાસિક અને ધાર્મિક શહેર જૂનાગઢમાં વધુ એક મસમોટું કૌભાંડ બહાર આવવા પામ્યું છે. અને પોસ્ટ ઓફિસમાં મંથલી સેવિંગ એકાઉન્ટ સહિતના વિવિધ એકાઉન્ટ ધરાવતા લોકોના ડુપ્લીકટ પાસબુક બનાવી લાખોથી લઈને કરોડો રૂપિયા જુનાગઢનો એક એજન્ટ ચાઉં કરી જઈ, ઘર અને ઓફિસને તાળાં મારી રફુચક્કર થઈ જતાં ગઈકાલે આવા છેતરાયેલા ગ્રાહકો મોટી સંખ્યામાં જૂનાગઢની પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને હોબાડો મચી જવા પામ્યો હતો, બાદમાં આ શખ્સ સામે ફરિયાદ કરવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.