કોર્પોરેશનને અનેક રજૂઆત છતાં સ્થિતિ જેમની તેમ !: સ્વચ્છતાના નામે મીંડું
કોરોનાની અસર વચ્ચે શહેરમાં કયાંય સેનેટાઈઝરની સુવિધા નથી
કોરોના વાયરસનો હાહાકાર હવે સમગ્ર વિશ્વમાં ફેલાયે લો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કટોકટીની આ પરિસ્થિતિમાં જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૨૯ માર્ચ સુધી શાળા-કોલેજો, મોલ સહિતના જાહેર ભીડના સંકુલો બંધ કરી દેવામાં આવ્યા છે. અને તંત્રો વાયરસના પગલે સતર્ક બન્યું છે, ત્યારે જૂનાગઢનું કોર્પોરેશન તંત્ર જાણે કે હજુ જાગ્યું ન હોય તેમ બચાવ રાહત કામગીરીમાં શિથીલતા અનુભવતું હોય તથા પ્રજામાંથી ઉઠેલી ફરિયાદોનાઉકેલમાં વિલંબની ફરિયાદો ઉઠી છે.
જુનાગઢ કોર્પોરેશન દ્વારા કોરોના વિરોધી કામગીરીની ભારે મોટી વાતો કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ સૌ પહેલા શહેરમાં સ્વચ્છતા યોગ્ય રીતે થતી નથી તો તંત્રની સૂચના અનુસાર સામાન્ય કહી શકાય તેવા જાહેર અને ભીડવાળા વિસ્તારોમાં હાથ ધોવાની સુવિધા પણ કોર્પોરેશન કરી શક્યું નથી.આ ઉપરાંત શહેર માટે ચિંતાનો વિષય બનેલા પ્રશ્નોમાં કાળવા ચોક થી વૈભવ ચોક સુધીના જયશ્રી અને તળાવ દરવાજા વાળા રસ્તા ખોદી નખાયા છે, અને હવે એ રસ્તા ન બનતા ધૂળની ડમરીઓ ઉડે છે,
આ અંગે વેપારીઓ દેકારો કરી રહ્યા છે તેનો કાયમી ઉકેલ લાવવાના બદલે કોર્પોરેશનને હંગામી ધોરણે રોજના હજારો રૂપિયાના ખર્ચે બિનજરૂરી પાણીના છંટકાવનો વચલો રસ્તો કાઢીને કોર્પોરેશનમાં મહિનાના લાખો રૂપિયાના ખર્ચનો ભાર વધારી દીધો છે પરંતુ પ્રજાને રજ ઉડવાની સમસ્યામાંથી મુક્તિ આપવાના પ્રયાસોમાં રસ્તા પર પાણી ઢોળાતા રોડ ચીકણા થઈ જવાથી જીવલેણ અકસ્માતનો ભય ઉભો થયો છે.
શહેરમાં ધૂળની ડમરી, કચરાના ઢગલા, હાથ ધોવાની કોઈ વ્યવસ્થા ન હોવાની વાતનો અને પ્રજાનો વિરોધ સાંભળવા વાળુ કોઈ નથી, શહેરમાં જાણે કે તંત્ર ધણીધોરી વગરના થઈ ગયું હોય તેમ જયશ્રી રોડના વેપારીઓ સહિતના ફરિયાદી અને પ્રજાની લાગણી ને વાચા આપવા કમિશનરનું તંત્ર તો ઠીક જનપ્રતિનિધિઓને ખાસ કરીને મેયર, ડેપ્યુટી મેયર, સહિતના નેતાઓ પણ કોઈ જ બોલવાનું મુનાસીબ ના સમજતા હોય અને પ્રજાની આ લાગણીનો પ્રતિભાવ આપતા ન હોવાની ફરિયાદ શહેરમાંથી ઉઠી છે.