અખાધ ખોરાક વેચતા વેપારીઓ સામે અધિકારીઓની મીઠી નજર
દાખલા રૂપ કામગીરી બેસાડવામાં ફૂડ અધિકારીઓ નિષ્ફળ: અખાધ નાસ્તા વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા લોક માંગ
જૂનાગઢ મહાનગર બન્યાને આજે દસકાઓ થઈ ગયા અને બીજી તરફ રાજ્ય સરકાર જૂનાગઢ મહાનગરને પર્યટનનું હબ બનાવવાની વાતો કરી રહ્યું છે ત્યારે જૂનાગઢવાસીઓ તથા જૂનાગઢના પ્રવાસે આવતા હજારો પ્રવાસીઓ આરોગ્ય વિભાગની આળસ અને આડોડાઈને કારણે અમુક લોભી લાલા જેવા વેપારીઓના પ્રતાપે વાસી, કેમિકલયુક્ત તને અખાદ્ય થઈ ગણાતા પદાર્થો, ભોજન અને નાસ્તાઓ આરોગી રહ્યા હોવાની શિક્ષિત અને પ્રબુદ્ધ લોકોમાંથી રાવ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે, પરંતુ આ રાવ સાંભળી તેના નિરાકરણ માટે ઓફિસની બહાર નીકળવા માટે કોઈ અધિકારી તૈયાર ન હોય તેવો ઘાટ જૂનાગઢવાસીઓ છેલ્લા ઘણા સમયથી નિહાળી રહ્યા છે.
જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી રોડ ઉપર ઉભા રહેતા લારી વાળાઓ અને અમુક દુકાનો ધરાવતા ફાસ્ટ ફૂડના દુકાનદારો દ્વારા તગડા ભાવ વસુલી નાસ્તા અને ભોજનનો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી, મન ફાવે તે રીતે વ્યવસાય કરી રહ્યા છે, એક તરફ જૂનાગઢના તૂટેલા રોડના કારણે ધુળની ડમરીઓ ઉડી રહી છે, જે ખોરાક ઉપર જઈ પડે છે, પરંતુ જૂનાગઢના સ્વાદ શોખીન લોકો આવા ખુલ્લા રખાતા ખોરાકો આરોગી રહ્યા હોવાનું શિક્ષિત લોકો નજરે જુએ છે ત્યારે ભારે ચીડ અનુભવે છે.
બીજી એક ફરિયાદ મુજબ જૂનાગઢ શહેરના અમુક રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્ટોલમાં વાસી અને અખાદ્ય કલર, કેમિકલ યુક્ત વાનગીઓ પીરસાઈ રહી છે, પરંતુ જૂનાગઢના આવા લોભી લાલા વેપારીઓ પોતાના પેટ ભરવા બીજાના પેટ બગાડી રહ્યા હોવા છતાં જૂનાગઢ મનપાનું ફૂડ ડિપાર્ટમેન્ટ તથા રાજ્ય સરકારનું ફૂડ ડીપાર્ટમેન્ટ કોઈ અંગત કારણોસર કાર્યવાહી હાથ નથી ધરતું જેના કારણે જૂનાગઢના અને બહારથી આવતાં હજારો પ્રવાસીઓ આવા અખાદ્ય પદાર્થ આરોગી પોતાનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા હોવાની વાત છે.
જૂનાગઢ મનપાની વાત કરીએ તો, જૂનાગઢ મનપા દ્વારા તેના ફૂડ વિભાગમાં કોઈ ક્વોલિફાઈડ અધિકારી ન હોવાની વર્ષોથી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ મનપાને મહાનગરમાં જન આરોગ્યની ચિંતા ના હોય તેમ કવોલીફાઇડ અધિકારીની ભરતી કરવામાં આવતી નથી, અથવાતો કોઇ પણ કારણોસર ભરતી થતી નથી.
જૂનાગઢના અમુક લોભી લાલાની લાલિયાવાડી અને ફૂડ ડિપાર્ટમેન્ટની આળસ અને આડોડાઈને કારણે જૂનાગઢ શહેરના લોકો અને બહારગામથી જૂનાગઢના પ્રવાસે આવેલા પ્રવાસીઓ આવા અખાદ્ય કલર અને પદાર્થ યુક્ત વાનગીઓ અને વાસી ભોજન આરોગી રહ્યા છે ત્યારે સરકારી પગાર ખાતા ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આવા લોભી લાલા સામે કાર્યવાહી હાથ ધરે તેવી લોકોને લાગણી અને માગણી પ્રબળ બનવા પામી છે.
અધિકારીઓની કામગીરી માત્ર કાગળ પર
બીજી બાજુ જુનાગઢ જિલ્લા મથકે ફૂડ ડિપાર્ટમેન્ટની કચેરી આવેલી છે અને અહીં અધિકારીઓ તથા પૂરતો સ્ટાફ હોવા છતાં આવા અધિકારીઓ માત્ર કાગળ ઉપર કામગીરી બતાવી રહ્યા છે, જેના કારણે લોભી લાલા વેપારીઓ બિન્દાસ અખાદ્ય વાનગીઓ લોકોને પીરસી રહ્યા છે. જોકે શહેરમાં ચર્ચાતા આક્ષેપ મુજબ જૂનાગઢના સરકારી ખાદ્ય વિભાગના અમુક કર્મચારી કે અધિકારીની વેપારીઓ ઉપર, મીઠી નજર હેઠળ ઘણું ચાલી રહ્યું છે અને તેના કારણે કોઈ ફરિયાદ ઉઠે તો અગાઉથી જે તે વેપારીને જાણ કરી સેમ્પલ લેવામાં આવે છે અથવા તો ફરિયાદ બાબતે પૂરતું ધ્યાન જ આપવામાં આવતું ન હોવાની પણ વાતો સંભળાઈ રહી છે
જો મનપાની વાત કરીએ તો, ભાગ્યે જ ઓફિસની બહાર નીકળતું ફૂડ ડીપાર્ટમેન્ટ કાગળ ઉપરની કામગીરી કરી આવે છે, અથવા તો કોઈ કોર્પોરેટરને નડતા વેપારીઓ સામે કાર્યવાહી કરી, બાદમાં મહિનાઓ સુધી કોઈપણ કારણોસર જૂનાગઢની જનતાની આરોગ્યની ચિંતા કરવામાં આવતી નથી.