ઉપલા દાતારનાં સેવકો અને સાધુ સંતો દ્વારા રસ્તા પરના દબાણો હટાવવાની માંગ
જુનાગઢ ઘણા લાંબા સમયથી ઉપલા દાતારના મહંત વિઠ્ઠલબાપુ ઉપલા દાતાર જવાના રસ્તા પર નીચલા દાતારથી લઈ ઉપલા દાતારના પગથીયા સુધી કાયદેસર મંજુર થયેલ રોડ બનાવવા તેમજ રસ્તા પર થયેલા શરૂઆતના ભાગમાં દબાણોને દુર કરવાની માંગ સાથે વારંવાર રજુઆતો કરી રહ્યા હતા પરંતુ જાડી ચામડીના તંત્રને આ રજુઆતો જાણે કોઠે પડતી ન હોય તે રીતે દરેક રજુઆતો વખતે ફકત વાયદાઓ કરવા સિવાય તંત્રએ કોઈ નકકર કામગીરી ન કરતા ગઈકાલે ઉપલા દાતારના સેવક સમુદાયે સાધુ સંતો અને હિંદુ સંગઠનોને સાથે રાખી જય દાતાર, દબાણ હટાવોના ગગનભેદી નારાઓ સાથે જંગી રેલી સ્વરૂપે કમિશનર તેમજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કાયદેસર મંજુર થયેલો રોડ કરી આપવા પ્રબળ માંગ કરી હતી. તેમજ ઉપસ્થિત સમુદાયે જો તંત્ર દ્વારા હજુ આ બાબતે લક્ષ અપાશે નહીં તો હવે રેલી નહીં રેલો આવશે તેવી ચીમકી પણ દાતાર સેવકોએ ઉચ્ચારી હતી.
આ અંગે વધુ વિગત અનુસાર નીચલા દાતારથી વિલીઝન ડેમ સુધી કાયદેસરનો મંજુર થયેલો ૯ મીટરનો રસ્તો કરી આપવા ઉપલા દાતારના મહંત વિઠ્ઠલબાપુએ વારંવાર રજુઆતો કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ લક્ષ્ય ન અપાતા ગઈકાલે મોટી સંખ્યામાં વિઠ્ઠલબાપુના માર્ગદર્શન નીચે દાતાર સેવકોની આગેવાનીમાં સાધુ સંતો, હિંદુ સંગઠનોએ મોટી રેલી સ્વરૂપે મનપા કમિશનર તેમજ જીલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. આ રેલીમાં વરીષ્ઠ સંતોમાં શેરનાથબાપુ, તનસુખગીરીબાપુ, વૈદ્યનાથબાપુ, મુકતાનંદગીરીબાપુ સહિતના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવેશભાઈ વેકરીયા, જયોતીબેન વાછાણી, નિર્ભય પુરોહિત, અરવિંદભાઈ સોની સહિતના સામાજીક આગેવાનોએ દાતાર સેવક સમુદાયને બટુકબાપુ, રાજુભાઈ રાઠોડ, ગૌરવભાઈ સુખાનંદી, જીજ્ઞેશભાઈ, નાનજીભાઈ સાંખ સિહતના હિંદુ સંગઠનોના આગેવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અંગે કલેકટર પાસે બુલંદ માંગ કરી હતી. કલેકટરે પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.