ચોમાસાના પ્રારંભે જ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં મોસમનો ૫૪ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સમયસરના સાર્વત્રીક વરસાદથી ૩,૩૦,૫૭૦ હેકટરમાં વિવિધ પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે
મગફળીનું ઘર ગણાતા જૂનાગઢ જિલ્લામાં અન્ય પાકોની સરખામણીમાં સૌથી વધુ ૨,૫૯,૬૧૮ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. ગત વર્ષે મગફળીનું વાવેતર ૨,૩૦,૮૧૮ હેકટરમાં હતુ.તેમા આ વખતે વધારો થયો છે. અન્ય પાકોમાં જોઈએ તો કપાસનું વાવેતર ઘટયુ છે. ૩૪,૧૪૪ હેકટરમાં કપાસ વવાયો છે જે ગત વર્ષે ૭૪૭૯૭ હેકટરમાં હતુ. નવા પાક તરીકે સોયાબીનનું વાવેતર વધ્યું છે. સોયાબીનનું વાવેતર ૧૯,૩૧૬ હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત મગ ૪૪૧ હેક્ટર, અળદ ૯૧૧ હેક્ટર, તલ ૨૩૭ હેક્ટર,શાકભાજી ૫૪૧૨, હેક્ટર, ઘાસચારો ૧૦,૪૭૦ હેક્ટર, અને ગુવારનું ૨૦ હેકટરમાં વાવેતર થયું હોવાનું જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે.
જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ભીમ અગીયારસના પવિત્ર તહેવાર ઉપર વાવેતર થયું હતું. જૂન માસમાં સમયસર વાવેતર થાય બાદ જુલાઈ માસમાં વરસાદનો બીજો સાર્વત્રીક રાઉન્ડ થતા હાલ મોલાત ખૂબ સારી છે. વાવણી બાદ વરાપ થતાં ખેડૂતો દ્વારા જરૂરી ખેડ તેમજ નીંદણ કામ પણ નિપટાવી લેવામાં આવ્યું છે. આથી હાલ મગફળી સહિંતની મોલાત ખૂબ સારી છે
ખેતી લાયક પૂરતા વરસાદ સાથે જિલ્લાને સાંકળતી ઉબેણ, ઓઝત, ભાદર, મધુવંતી, સાબલી, સહિતની નદીઓમાં પૂર આવતા નદી તળાવો,ડેમમાં પાણીની પૂરતી આવક નોંધાય છે. જિલ્લામાં સિંચાઇ વિભાગ હસ્તક આવેલા મધુવંતી અને આંબાજળમાં ૫૧ ટકા પાણીનો જથ્થો છે.ઓઝત વિયર આણંદપુર અને કેરાળા ડેમ ૧૦૦ ટકા ભરાય ગયા છે. જૂનાગઢને પાણી પૂરૂ પાડતો હસનાપુર ૬૮ ટકા તો ઓઝત -૨ ૭૮ ટકા ભરાયો છે. એજ રીતે ઝાંઝેશ્રી ૩૪ ટકા, ધ્રાફડ ૨૭ ટકા ,વ્રજમી ૯૯ ટકા, બાંટવાખારો ૮૪ ટકા ભરાઈ ગયા છે.
આમ જૂનાગઢ જિલામાં ચોમાસાના પ્રારંભે જ પાક- પાણીનું ચિત્ર ઉજળું દેખાઈ રહ્યું છે. જૂનાગઢ બહાર નીકળતા વંથલી,કેશોદ,માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કે સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હરીયાળી-હરીયાળી જ દ્રશ્યમાન થાય છે, જાણે સોરઠની ધરતી ને મેઘરાજાએ લીલી ચાદર ઓઢાળી હોય તેવું સુંદર દ્રશ્ય તન અને મનને પ્રફુલ્લીત કરતું દિશે છે. ખેડૂતો પણ સમયસરના સાર્વત્રીક વરસાદથી ખુશ ખુશાલ છે.