જિલ્લામાં ૬૫ હજારથી વધુ કોરોના ટેસ્ટ: ૧૫૩૨ પોઝિટિવ
માર્ચ મહિનાથી શરૂ થયેલ કોરોના આફતને હવે જૂનાગઢ જિલ્લાના લોકો સારી રીતે સમજી ગયા છે. ઓળખી ગયા છે. આત્મ વિશ્વાસ અને કોરોનાનો ખોટો ડર રાખ્યા વગર સામાન્ય લક્ષણો ધરાવતા તથા યુવાનો અને તંદુરસ્ત વડિલો ઘરે રહિને કોરોનાનો જંગ જીતી રહ્યા છે. કોરોનામાં હોમ આઇસોલેશન રહેવાનું વલણ વધી રહ્યું છે. જિલ્લા એપેડેમીક ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં ૮૮૭ દર્દિઓએ ઘરે રહિને કોરોનાને માત આપી છે.
સતત જનજાગૃતિ, આરોગ્ય વિભાગ અને ડોક્ટરો સાથે લોકોના સામુહિક પ્રયાસોથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં રાખી શકાયો છે. અત્યાર સુધીમાં ૬૫ હજારથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરાયું છે. જે પૈકી ૧૫૩૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. આ પૈકી ૮૮૭ દર્દિઓએ તો આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી ઘરે રહિને કોરોનાને હરાવ્યો છે.૮૮૭ દર્દિઓએ પુરવાર કર્યુ છે કે, સમયસરનું ટેસ્ટીંગ અને આરોગ્ય વિષયક સઘન પગલા લેવાથી ઘરે રહિને પણ કોરોનાને હરાવી શકાય છે. પરંતુ તેમાં સમયસર ટેસ્ટીંગ કરાવવા સાથે હોમ આઇસોલેશનના નિયમોને ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. તેમ ડો.વ્યાસે ઉમેર્યુ હતું.
આમ તો જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સૌથી છેલ્લે કોરોનાની એન્ટ્રી થઇ હતી. પરંતુ ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ ફેલાતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને માત આપવા સઘન પગલા લેવાયા હતા. ઘન્વતરી રથ, કોન્ટેક ટ્રેસીંગ, ટેસ્ટીંગમાં વધારો, આરોગ્ય વિષયક સુવિધામાં અને સારવારમાં વધારો જનજાગૃતિ સહિત શ્રેણીબધ્ધ પગલાઓ લેવાયા હતા. જેના પરિણામે કોરોનાનું નિયંત્રણ શક્ય બન્યું છે.
જિલ્લામાં તબિબો તથા જિલ્લા વહિવટીતંત્રના સતત પ્રયાસો સાથે જિલ્લાના ૨ લાખ ૬૯ હજાર ઘરમાં ૧૨ લાખ ૩૪ હજાર લોકોનું સર્વેલન્સ કરાયું છે. આ ભગીરથ કાર્ય પણ આરોગ્ય વિભાગે પાર પાડ્યું છે.
જુનાગઢ મેડિકલ કોલેજ સંલગ્ન સિવીલ હોસ્પિટલ ઉપરાંત ૪૦ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કોરોના સંબંધી આરોગ્ય વિષયક માર્ગદર્શન ટેસ્ટીંગની વ્યવસ્થાથી જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં શક્ય બન્યું છે. સાથે સાથે જિલ્લાના ૬૩ જેટલા ડોક્ટરો જરૂરિયાત મુજબ રાજકોટ અને અમદાવાદ પણ દર્દિઓની સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.