૩ મહિના પહેલા નોટિસ આપ્યા બાદ પ્રાંતની કડક કાર્યવાહી
જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં સરકારી જમીન ઉપર બાંધી દેવાયેલા બે ગેરકાયદે મકાનોને તોડી પાડવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગઈકાલે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન તણાવની પરિસ્થિતિ ઊભી થઇ હતી પરંતુ જિલ્લાના પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યા બાદ તનાવ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને દબાણા હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગ્રોફેડની પાછળ સરકારી જમીન ઉપર બે ગેરકાયદે મકાનો બાંધી દેવામાં આવ્યા હતા, જે અંગે તંત્ર દ્વારા ત્રણ માસ અગાઉ સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ પાઠવી તાકીદ કરવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓ દ્વારા જમીન ખાલી કરવામાં આવી ન હતી. દરમિયાન ગઈકાલે ડીમોલેશનની કામગીરીમાં કોઈ અડચણ ના આવે તે માટે જિલ્લા વહીવટી તંત્રના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંકિત પન્નું, મામલતદાર તથા ટાઉન પ્લાનિંગના અધિકારીઓ તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, બારીયા, એલસીબી, એસોજી, એ, બી, સી, ભવનાથ અને તાલુકા પોલીસ સ્ટેશન ના ૭ જેટલા પોલીસ અધિકારીઓ અને ૬૦ જેટલો પોલીસનો સ્ટાફ ગાંધીગ્રામ વિસ્તારમાં પહોંચ્યો હતો અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બે જેસીબી દ્વારા મકાનના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અમુક લોકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો, થોડી તનાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને બે-ત્રણ શખ્સો ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે આડા બેસી ગયા હતા પરંતુ પોલીસે તેને દૂર કર્યા હતા અને બાદમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામમાં સરકારી જમીન સર્વે નં. ૩૦૮ પર શહેરના બુટલેગર રાજુ ડોસાભાઈ કોડિયાતર અને તેના ભાઈ સંજય ડોસાભાઈ કોડિયાતરે અંદાજે ૫૫૦ મીટર અને ૧,૦૦૦ મીટર પર પેશકદમી કરી હતી,. અને બંગલા બનાવી લીધા હતા, આ માટે ગત સપ્ટેમ્બર માસમાં નોટિસ આપવામાં આવી હતી, પરંતુ જમીન ખાલી કરાઈ ન હતી, બાદમાં આ મામલો કોર્ટમાં જતા, કોર્ટે બિલ્ડીંગ ગેરકાયદેસર હોવાનુ જણાવી, તોડવાની મંજૂરી આપતા ગઈકાલે ગેરકાયદે બાંધકામ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના જણાવ્યા અનુસાર, કે બિલ્ડીંગ નું દીમોલેશન કરવામાં આવ્યું હતું તે પેશકદમી કરનાર રાજુ ડોસાભાઈ કોડિયતર સુરત જેલમાં છે, તથા સંજય ડોસાભાઈ કોડિયાતાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે સમીર ડોસાભાઈ કોડીયતર પ્રોહિબિશન ના કેસમાં પોલીસ રિમાન્ડ પર છે.