જૂનાગઢના હાર્દસમા ભરચક વિસ્તારમાં શનિવારે ધોળે દાહાળે છરી બતાવી રૂ. 800 ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા લૂંટ ચલાવવામાં આવતા, માંગનાથ, માઢ સ્ટ્રીટ વિસ્તારમાં સનસની મચી જવા પામી હતી, અને વેપારી વર્ગમાં ભયનો માહોલ ફેલાયો હતો, જો કે, આ લૂટારા શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, ત્યારે પોલીસે લૂંટારાને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
શનિવારે જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં આવેલ પ્લેઝર ટેલર નામની દુકાનમાં કામ કરતા રાજન હરસુખભાઈ ગોહિલ કોઈ કામ સબબ તેની દુકાનેથી બહાર ગયેલ હોય, ત્યારે બપોરના એક વાગ્યાના અરસામાં માંગનાથ વિસ્તારમાં આવેલ માઢ સ્ટ્રીટ માં એક અજાણ્યા શખ્સે રાજન ગોહિલને છરી બતાવી, તેમના ખિસ્સામાંથી રૂપિયા 800 કાઢી લઇ, લૂંટ ચલાવી નાસી ગયો હતો.
બાદમાં આ અંગેની તાત્કાલિક પોલીસને જાણ કરાઇ હતી અને રાજન હરસુખભાઈ ગોહીલએ અજાણ્યા શખ્સો સામે રૂ. 800 ની લૂંટ ચલાવ્યા ની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા જુનાગઢ એ ડિવિઝનના ચૌધરી, પી.એસ.આઇ પરમાર તથા સ્ટાફ દ્વારા આ લૂંટનો ભેદ ઉકેલવા સીસી કેમેરા ફૂટેજની ચકાસણી સહિતની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ લૂંટ ચલાવનાર એક દુધિયા શર્ટ પહેરેલો લૂંટારો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી નજરે પડ્યો છે, આ શખ્સને પકડી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જૂનાગઢમાં દિનદહાડે અને ખરીદીની મુખ્ય બજાર ગણાતી માંગનાથ અને માઢ સ્ટ્રીટમાં રૂ. 800ની લુંટની ઘટના ઘટતા વેપારીઓમાં ફફડાટ અને સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. સાથોસાથ વેપારીઓ દ્વારા આ વિસ્તારમાં મહિલાઓની ખરીદી વધુ હોય ત્યારે પોલીસે પેટ્રોલિંગ વધુ કડક કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.