જૂનાગઢ, વિરપુર, સોમનાથ અને મીઠાપુરમાંથી રીક્ષા ચોરી કર્યાની કબુલાત: જામનગરના શખ્સના કબ્જામાંથી આઠ રીક્ષા કબ્જે

સૌરાષ્ટ્રભરમાં રીક્ષા ચોરી કરી, ખોટી નંબર પ્લેટ લગાડી, અન્ય લોકોને વેચી મારતા જામનગરના ભેજાબાજ રિક્ષાચાલકને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઇ, રૂપિયા ૨.૫૫ લાખની ૮ રીક્ષા રિકવર કરી, કુલ ૭ ગુન્હા ડીટેકટ કરેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળેલ હતી કે, એક રીક્ષા ચાલક મજેવડી દરવાજા બાજુ આવી રહ્યો છે અને તેમની પાસેની રીક્ષા ચોરીની અથવા અન્ય રીતે મેળવી હોવાની શંકા છે, ત્યારે જૂનાગઢ એલસીબીએ ઘડીની પણ રાહ જોયા વગર ગિરનાર દરવાજા તરફથી આવતી રીક્ષા નંબર જીજે ૧૧ વી ૯૫૪૦ ના ચાલકને રોકી રીક્ષાના કાગળિયા માંગતા રિક્ષા ચાલક રીક્ષા તેમની હોવાની તથા હાલમાં કાગળ સાથે  ન હોવાનું ગાણું ગાઈ રહ્યો હતો.

દરમિયાન જૂનાગઢ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહિલ, પીએસઆઇ ડી.જી. બડવા, વાયરલેસ પી.એસ.આઈ ડી.એમ. જલું સહિતના સ્ટાફે આ રિક્ષા ચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા પોતે જામનગરના રકંડા ગામનો અને હાલ જામનગરના ગુલાબનગરમાં ભાડેથી રહેતો હરીશ પ્રતાપભાઈ ગોહિલ (ઉ.વ. ૪૯) હોવાનું જણાવ્યું હતું અને હાલમાં તેમની પાસે જે રીક્ષા છે તે જામનગરના રામેશ્વરમાં રહેતા રમેશભાઇ મોરીની ભાડે રાખેલી હતી પરંતુ આ રીક્ષા તેને પાછી આપવી ન પડે તે માટે ખોટી નંબર પ્લેટ લગાડી દીધેલ હોવાનું જણાવી અન્ય રિક્ષાઓ પણ ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું.

જૂનાગઢ એલસીબી દ્વારા રિક્ષા ચાલકની સઘન પૂછપરછ બાદ તો આરોપી રિક્ષા ચાલક પોપટ બની ગયો હતો અને તેમણે દોઢ મહિના પહેલા ગિરનાર દરવાજા પાસે માળી પરબની જગ્યા તરફથી રીક્ષા ચોરી કરી દ્વારકામાં વેચી હોવાનું, તથા એક વર્ષ પહેલા સકરબાગ પાસેથી રીક્ષા ચોરી મૂળ ઓખાના અને હાલ દ્વારકામાં રહેતા એક વ્યક્તિને વહેંચી હોવાનું કબૂલ્યું હતું. સાથો સાથ સાત મહિના પહેલા ગિરનાર દરવાજા નજીકથી એક રીક્ષા ચોરી ઓખા ગામે અને દોઢ મહિના પહેલા સાબલપુર ચોકડી નજીકથી રીક્ષા ચોરી મીઠાપુર ગામે જ્યારે ૧૧ મહિના પહેલા ભાવનગર રીંગ રોડ ઉપરથી રીક્ષા ચોરી બેટ-દ્વારકામાં અને અઢી મહિના પહેલા મીઠાપુર ટાટા કોલોની ખાતેથી એક રીક્ષા ચોરી ગોંડલ ગામે અને પાંચ છ મહિના પહેલા સોમનાથના ત્રિવેણી નજીકથી રીક્ષા ચોરી, દ્વારકા ગામે જ્યારે મોતીબાગ ગેટ નજીકથી રીક્ષા ચોરી જામનગર અને બે વર્ષ પહેલા  જુનાગઢ રેલવે સ્ટેશનથી રીક્ષા ચોરી જામનગર તેમજ વીસ દિવસ અગાઉ રેલવે સ્ટેશન રોડ ઉપરથી રીક્ષા ચોરી કરી, જૂનાગઢના એક શખસને વેચી હોવાનુ તથા રૂ.૮ હજારથી લઈને ૫૦ હજારના ભાવે ચોરેલી રીક્ષા વેચી હોવાનું કબૂલ્યું હતું.જામનગરના ભેજાબાજ રિક્ષા ચાલકને જૂનાગઢ એલસીબી. એ પકડી પાડી, આરોપીએ કબૂલાત કરતાં રૂ.૨.૫૫ લાખની કિંમતની ૮ જેટલી રીક્ષાનો મુદ્દામાલ કબજો લેવામાં આવ્યો હતો અને ૭ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.