મામલો પોલીસ મથક સુધી પહોચતા સંસ્થાએ જાતે જ સ્ટીકર હટાવી લીધા
જૂનાગઢની એનજીઓ જનતા ગેરેજ દ્વારા કરવામાં આવેલ નવતર દેખાવ તેને જ ભારે પડ્યો હતો અને મનપાની ગાડીઓમાં વિરોધ પ્રદર્શિત કરતા લગાવવામાં આવેલા સ્ટીકરો જાતે કાઢવા પડયા હતા. જૂનાગઢ શહેરના વિવિધ પ્રશ્નો માટે નવતર કાર્યક્રમ આપતી જૂનાગઢની એનજીઓ જનતા ગેરેજ દ્વારા જૂનાગઢ મનપાના હોદ્દેદારો તથા અધિકારીઓની ગાડીઓ ઉપર આજે “આ ગાડી પ્રજાના પૈસે ફરે છે” તેવા સ્ટીકર લગાવી તાજેતરમાં એક મનપાના અધિકારી દ્વારા ગાડીના થયેલા દુરોપ્યોગ બાબતે વિરોધ દર્શાવવા નવતર દેખાવ કરવામાં આવ્યો હતો.
આ અંગે જૂનાગઢ મનપા કમિશનરને જાણ થતા તેમણે તાત્કાલિક જુનાગઢ બી ડિવિઝન પીઆઈ ને જાણ કરતા, મનપાના વાહનો ઉપર આવા લગાવવામાં આવેલ સ્ટીકર અંગે પીઆઇ સોલંકી દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જ્યારે જનતા ગેરેજના આગેવાનો, કાર્યકરો દ્વારા ગાડી ઉપર લગાવવામાં આવેલા સ્ટીકરો જાતે હટાવી લેવાનું મુનાસીબ માન્યું હતું અને ગાડી ઉપર લગાવવામાં આવેલ સ્ટીકરો ફટાફટ હટાવી લેવામા આવ્યા હતા.
જોકે આ અંગે મનપા કમિશનરે જનતા ગેરેજના આગેવાનોને જણાવ્યું હતું કે, તમારે લેખિત ફરિયાદ જે કઈ હશે તેના પર હું ચોક્કસ કાર્યવાહી કરીશ, પગલાં ભરાશે પરંતુ આ રીતે ખોટા સ્ટંટ કરવા યોગ્ય નથી અને તે ચલાવી પણ લેવાય નહી.