જૂનાગઢની એક ટોળકી એ રેલવેના ફાટક ગેટ કીપરને છરી બતાવી, કપડા કઢાવી, ટોળકી પૈકીની એક મહિલાના પણ કપડા કઢાવી, ફોટા પડાવી અને ડેપોમાં ફસાવી ત્રણ લાખની ખંડણી માંગનાર આ ટોળકીના ત્રણ સાગરિતોને જૂનાગઢ પોલીસે યુક્તિ પ્રકૃતિથી ગણતરીની કલાકોમાં જ પકડી પાડી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
છરી બતાવી યુવાનનો અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારી બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી દીધી’તી
જૂનાગઢ શહેરના ધોરાજી ચોકડી પાસે આવેલ રેલવે ફાટક ઉપર ગેટકિપર તરીકે નોકરી કરતા અને રેલવે કોલોની, મામાદેવના મંદિર પાસે, જોશીપરા, અગ્રાવત ચોક પાસે રહેતા મુકેશભાઈ માધાભાઈ રાઠોડ (ઉ.વ. 34) ગત તા. 25 જૂનના રોજ પોતાની નોકરી પર હાજર હતા, તે દરમ્યાન એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા ઈસમો, તેમાંથી એક ઈસમ ફરીયાદીને છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, છરીની અણીએ ફરિયાદીના કપડા કઢાવી, આરોપીઓ સાથેની મહિલાના પણ કપડા કઢાવી, ફરિયાદી તેમજ મહિલાને એકબીજાની પાસે ઉભા રખાવી, સાથેના આરોપીએ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી લીધેલ અને વીડિયો વાયરલ કરી નાખવાની તેમજ બળાત્કારનો ખોટો કેસ કરી, ફસાવી દેવાની ધમકી આપી, ફરિયાદી પાસે રહેલ 500 રૂપિયા કઢાવી લીધેલ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, બીજા પાંચ લાખ આપવાની વાત કરતા ફરિયાદી પાસે આટલા પૈસા ના હોય, જેથી રકજક કરી, ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ અને આરોપીઓએ ફરિયાદી ઉપર વિશ્વાસ નથી તેવું જણાવતા, આરોપીઓએ કોઈ ઓળખીતા માણસને વચ્ચે રાખવાનું કહી, સાબલપુરના આર્યનને રેલવે ફાટક પાસે બોલાવેલા અને આર્યન સમાધાનમાં વચ્ચે રહેલ અને બીજા દિવસે રૂપિયા 10 હજાર તેમજ બાકીના રૂપિયા 29 હજાર તા. 26/6/21 ના રોજ આપવાનું નક્કી કરી, યુવતી તથા ત્રણ ઈસમોએ 3 લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતની ફરિયાદ, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી.
હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડિયા તથા ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, મળેલ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સલમાન તૈયબ વિશળ, બસિર હબીબ સુમરા, આર્યન યુનુસભાઈ ઠેબાા, શબનમ ઉર્ફે સબુ (રહે.તમામ જૂનાગઢ) સહિતના ચાર આરોપીઓની સંડોવણી હોવાની વિગતો જાણવા મળતા, ફરિયાદી મારફતે જ રૂપિયા ત્રણ લાખ આપવાનું જણાવી, ટ્રેપ કરી, આરોપીઓ ત્રણ લાખ રૂપિયા લેવા રેલવે ફાટક પાસે આવતા, ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આમાન તૈયબભાઈ વિશળ ગામેતી, બસિર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા અને આર્યન યુનુસભાઈ ઠેબાની કાઉન્ટર ટ્રેપ કરીને રાઉન્ડ અપ કરીને પકડી પાડવામા આવી છે. જ્યારે આ ગુન્હાના કામે મહિલા આરોપી શબનમ ઉર્ફે શબ્બુ ઘર છોડીને નાસી જતા તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.