જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ ૪૧ ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત છે. આ ધન્વંતરી રથના માધ્યમથી ગઈ કાલે એક જ દિવસમાં ૪૭૫૬ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરી દવા સારવાર આપવામાં આવી હતી.
કોરોના મહામારી સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઘર બેઠા સારવાર આપવા ધન્વંતરી રથની શરૂઆત કરાઈ છે. અંતરિયાળ, ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં લોકોને આરોગ્ય સુવિધા માટે કોઈ મુશ્કેલી ના પડે તેને ધ્યાને લઇને ધન્વંતરી આરોગ્ય રથ ખૂબ ઉપયોગી પૂરવાર થઈ રહ્યા છે. ધન્વંતરી રથનો લોકો ઘર બેઠા લાભ લઈ મેડિકલ ઓફિસર પાસેથી દવા સારવાર મેળવવા સાથે જરૂરી આરોગ્ય વિષયક જરૂરી માર્ગદર્શન પણ મેળવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ આરોગ્ય સ્ટાફ દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે તકેદારી રાખવા અંગે પણ માર્ગદર્શન મળે છે.