રસ્તા, પાણીની અપુરતી સુવિધા અને ગુંડાગીરીના દુષણને દુર કરવા માંગ
ઝાલાવાડના ઔદ્યોગીકનગર થાનગઢમાં 300થી વધુ ઔદ્યોગિક એકમ આવેલ છે. સેનેટરીવેર, સીરામીક અને ચિનાઈ માટીનાં રમકડા બનાવતા આ ઔદ્યોગીક એકમોમાં ઉત્પાદીત થતી ચીજવસ્તુઓ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઔદ્યોગીક નગરીમાં સમસ્યાઓ વધતી જતી હોવાની ફરીયાદો ઉઠી છે. થાનગઢ શહેરનાં મોટાભાગનાં રસ્તાઓ બિસ્માર અને ખાડા-ખડીયાવાળા હોવાથી ઔદ્યોગીક એકમોનાં માલનું પરિવહન કરવામાં મુશ્કેલી પડે છે. સ્થાનીક શહેરીજનો પણ ભંગાર રસ્તાઓથી ત્રસ્ત છે.
થાનગઢ સરકારી હાઈસ્કૂલ પાસે રસ્તા વચ્ચે ટ્રાન્સફોર્મર છે તેની અવાર-નવાર રજુઆતો કરવા છતાં હટાવવામાં આવતું નથી અનેક જગ્યાએ ભુગર્ભ ગટર લાઈન બ્લોક હોવાને કારણે રસ્તાઓ ઉપર ગટરનાં ગંદા પાણી ફરી વળે છે. બોડીધાર વિસ્તારમાં તો ભુગર્ભ ગટરનાં છલકાતા પાણી કારખાનામાં ઘુસી જવાની સમસ્યા છે. થાનગઢ રેલ્વે ફાટક પાસે છેલ્લા ચારેક વર્ષથી ઓવરબ્રીજ બનાવવાનું કામ કાચબા ગતિએ ચાલે છે. ઓવરબ્રીજનાં કામને કારણે વાહનચાલકોને અવર-જવર કરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. ઓવરબ્રીજનું કામ વહેલીતકે પુરૂ થાય તેવી થાનગઢવાસીઓની માંગણી છે. ભુતકાળમાં થાનગઢ પંથકમાં ખંડણીનાં દુષણે માઝા મુકી હતી. માથાભારે તત્વો કારખાનેદારોને ધાકધમકી આપી ખંડણી માંગતા હતા, કેટલાક વર્ષો પછી ફરી ખંડણીનું ભુત ધુણતું થયું હોવાની ફરીયાદ છે. ખંડણીની બીકે અનેક ઉદ્યોગપતિઓ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જતા રહ્યાં હોવાનું અને ત્યાંથી અપ-ડાઉન કરતા હોવાનું જાણવા મળેલ છે. થાનગઢવાસીઓને સુરેન્દ્રનગર આવવા-જવામાં પણ ખુબ જ મુશ્કેલી પડે છે. ખાસ કરીને સાંજ પછી સુરેન્દ્રનગરની એકપણ બસ સુવિધા નથી..! આમ, અનેક સમસ્યા અને પ્રાથમીક સુવિધાનાં અભાવ વચ્ચે ઝીક ઝીલીને ધમધમતી સીરામીક નગરી થાનગઢમાં પુરતી સુવિધા આપવામાં આવે અને સમસ્યાઓ હલ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પ્રવર્તે છે. તંત્રવાહકો, ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ આ અંગે યોગ્ય પગલા લે તે ઔદ્યોગિક શહેરનાં વિકાસ માટે ઈચ્છનીય થયુઁ છે.
અસામાજીક તત્વોના ત્રાસની રાવ
થાનગઢના ઉદ્યોગકારોએ અગાઉ જીલ્લા પોલીસવડા સાથે બેઠક યોજી અસામાજીકતત્વોનાં ત્રાસ અંગે રજુઆત કરી હતી. ત્યારબાદ તાજેતરમાં જીલ્લા ભાજપ પ્રમુખ સાથે બેઠક યોજી હતી જેમાં પાંચાળ સીરામીક એસોસીએશને અસામાજીકતત્વોનો ત્રાસ દુર કરાવવા, સુવિધામાં વધારો કરવા રજુઆત કરી હતી. જીલ્લા ભાજપ પ્રમુખે યોગ્ય પગલા લેવડાવવાની ખાત્રી આપી હતી.
સૌથી વધુ સુવિધા સૌથી ઓછી
ઔદ્યોગિક શહેર થાનગઢમાંથી સરકારને સૌથી વધુ ટેક્ષ ચુકવાય છે, માથાદીઠ આવકમાં પણ અવ્વલ છે. પરંતુ થાનગઢ તરફ આવવાનાં (બહારગામથી) તમામ રસ્તા ભંગાર, સીંગલપટ્ટી જેવા છે. ચોટીલાથી થાનગઢનો રોડ, વગડીયાથી થાનગઢનો રોડ, તરણેતર બાજુથી થાનગઢ તરફ જતો રોડ ભંગાર અને સીંગલપટ્ટી જેવો છે. ધારાસભ્ય, સાંસદ સમય દ્વારા આ રસ્તાઓ પહોળા અને નવા કરાવવાના પગલા લેવડાવવામાં આવે તો થાનગઢનો ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરે તેમ છે.