છેતરપિંડીના ગુનામાં પાંચેક માસથી પતિ જેલમાં જતા એસિડ ગટગટાવી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી
જેતપુરના ખોડપરા વિસ્તારમાં રહેતી પરજીયા સોની પરિણીતાના પતિ પાંચેક માસ પહેલાં છેતરપિંડીના ગુનામાં જેલ હવાલે થતા પતિને કંઇ રીતે જેલમાંથી છોડાવવાની માનસિક ચિંતાના કારણે એસિડ પી આપઘાત કરી લેતા સોની પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના ખોડપરા વિસ્તારમાં રહેતી જાગૃતિબેન નવીનભાઇ ચલા નામની 30 વર્ષની સોની પરિણીતાએ પોતાના ઘરે એસિડ પી લેતા સારવાર માટે અહીની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જયાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જાગૃતિબેનના પતિ નવીનભાઇ ચલા સામે પાંચેક માસ પહેલાં સંબંધી પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા તે પરત કરી ન શકતા તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
પતિ કયારે જેલમાંથી છુટશે તેવી સતત ચિન્તા કરી માનસિક તણાવ અનુભવી રહેલી જાગૃતિબેને એસિડ પી આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પતિ જેલમાં અને પરિણીતાએ આપઘાત કરી લેતા બે બાળકો નોંધારા બન્યા છે.