- શિક્ષણ જગત વધુ એકવાર શર્મશાર
- 14 વર્ષીય બાળકે માતા-પિતા સમક્ષ આપવીતી વર્ણવતા ગૃહપતિ-આચાર્ય વિરુદ્ધ ગુનો: બંને સકંજામાં
- ગૃહપતિના કુકર્મને રોકવાની જગ્યાએ પોતે આચાર્ય પણ સાથે જોડાઈ ગયાનો આક્ષેપ
શિક્ષણ જગતને શર્મશાર અને ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો જસદણ પંથકમાંથી સામે આવ્યો છે. ભારતીય પરંપરામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, માતા-પિતા પછીનો દરજ્જો ગુરુ કે શિક્ષકને આપવામાં આવે છે. ત્યારે આ ગુરુજનો જો સંસ્કાર કે મર્યાદ ઓળંગે તો સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે તે સવાલ પેદા થયા વિના રહે નહીં. આવી જ એક શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામની જીવનશાળાની હોસ્ટેલમાં બની છે અને હોસ્ટેલના ગૃહપતિ તેમજ શાળાના આચાર્યએ હોસ્ટેલમાં રહેતા એક 14 વર્ષના તરૂણની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી છે. પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ વધુ તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પર અત્યાચારનાં કિસ્સાઓ વધી રહ્યા છે. અમુક બાળકોના વાલીઓ પોલીસ મથકે ફરિયાદ કરવાની હિંમત કરે છે, જ્યારે અમુક કિસ્સામાં વાલીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળે છે. જસદણના આંબરડી ગામે આવેલ જીવનશાળાની હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે સગીરના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 14 વર્ષના વિદ્યાર્થીએ કિશન ગાગડિયા સામે લાજ, શરમ નેવે મૂકીને અત્યંત અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ મૂક્યો છે, તરૂણે જણાવ્યું હતું કે તેને જર્જરિત રૂમમાં લઈ જઈને નગ્ન કરાતો અને બાદમાં ન કરવાના કૃત્ય કરવામાં આવતાં. આ અંગે તેણે અગાઉ આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવાને બદલે એ પણ આ કૃત્યમાં સામેલ થઇ જતાં તરૂણે પોતાના વાલીને આ સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા અને આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જસદણ પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધા છે.
રાજકોટના જસદણમાં ગૃહપતિએ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા જીવનશાળા હોસ્ટેલમાં ચકચાર મચી ગઈ હતી. જસદણ તાલુકામાં આવેલ આંબરડી જીવનશાળા હોસ્ટેલમાં રહેતા તરૂણ સાથે દુષ્કૃત્યની ઘટના બનવા પામી છે. 14 વર્ષના તરૂણ સાથે હોસ્ટેલના ગૃહપતિએ ખંડેર રૂમમાં લઇ જઇ દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
તરૂણે પોતાની આપવીતી જણાવતાં ગૃહપતિ સામે દુષ્કૃત્યની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાધવાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સાવરકુંડલામાં બનેલી ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં બીજો શરમજનક બનાવ સપાટી પર
થોડા દિવસો અગાઉ અમરેલી-સાવરકુંડલા પંથકમાંથી શિક્ષણ જગતની છબી ખરડતી એક ઘટના પ્રકાશમાં આવી હતી. સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજારવા બદલ શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થી સૃષ્ટિ વિરુદ્ધ ગુનાઓ અને બળાત્કાર અને અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવે તો શિક્ષકને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એએસપી સહિત પોલીસ અધિકારીઓએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.