સિમેન્ટ, લોખંડ, ઇલેકટ્રોનિક અને રેડીમેટ કપડાના આઠ વેપારી પાસેથી રૂા.૧૫.૬૩ લાખની ખરીદી કરી આપેલો ચેક રિટર્ન થયો
કોરોના મહામારીના કારણે લાંબો સમય ચાલેલા લોક ડાઉનમાં વેપાર-ધંધા બરોબર ચાલતા ન હોવાથી વેપારીઓની નબળી કડીનો ‘ઠગ’ દ્વારા લાભ ઉઠાવવા જસદણમાં વેપારી પેઢીના નામે સિમેન્ટ, લોખંડ, ઇલેકટ્રોનિક સાધનો અને રેડીમેટ કપડાના વેપારી પાસેથી રૂા.૧૫.૬૩ લાખની ખરીદી કરી આપેલો ચેક રિટર્ન થતા એક સાથે આઠ વેપારી સાથે છેતરપિંડી કરી પલાયન થયેલા બે શખ્સો સામે પોલીસમાં વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણના ગઢડીયા રોડ પર આવેલી વિરાજ સેલ્સ કોર્પોરેશન નામની દુકાન ધરાવતા વિષ્ણુભાઇ સવશીભાઇ કુકડીયાએ જસદણના ઘનશ્યામ પટેલ અને પ્રદિપ સોની સામે રૂા.૧૫.૬૩ લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઘનશ્યામ પટેલ અને પ્રદિપ સોની જસદણ બાયપાસ પર વિશાલ ટ્રેડીંગ નામની પેઢી બનાવી ઇલેકટ્રીક મોટર, કપડા, લોખંડ, સિમેન્ટ અને ઇલોકટ્રોનિક ચિજવસ્તુની ખરીદ કરી એક સાથે આઠ વેપારીને બેન્કમાં ભંડોળ ન હોવા છતાં ચેક આપી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બંને શખ્સોએ વિષ્ણુભાઇ કુકડીયા પાસેથી રૂા.૨૦ હજારની કિંમતની ત્રણ ઇલેકટ્રીક મોટર, બોમ્બે સેલ્સ પેઢીમાંથી રૂા.૩૧,૫૦૦ની કિંમતના ૩૫ જોડી કપડા, રાધે કમ્પ્યુટર અને હાર્ડવેરની દુકાનમાંથી રૂ.૭૩,૮૦૦ની કિંમતના કમ્પ્યુટર અને સોફટવેરની ખરીદી કરી, કિસ્ટલ કલેકશન રેડીમેટ કપડાની દુકાનમાંથી રૂા.૫૩ હજારની કિંમતના ૩૮ જોડી કપડા, રિધ્ધી સેલ્સ નામની દુકાનમાંથી રૂા.૨ લાખની કિંમતના પંખા અને ગીજરની ખરીદી, મારૂતિ ટ્રેડીંગમાંથી રૂા.૭.૬૭ લાખનું સિમેન્ટ અને લોખંડ અને અનિલ ટીમ્બરમાંથી રૂા.૩.૮૨ લાખની સિમેન્ટ અને લોખંડ ખરીદી કરી તેઓને આપેલા ચેક બેન્કમાંથી રિટર્ન થયા હતા. વેપારીઓ વિશાલ ટ્રેડીંગ ખાતે દોડી ગયા હતા પરંતુ પેઢીને તાળા મારી દીધા હતા અને મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે બંને ઠગ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.