તરૂણીને પેટમાં દુ:ખાવો ઉપડતા મામલો આવ્યા સામે
છ મહિના પહેલા નરાધમે તરૂણીને રૂમમાં સાત કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું: સગીરાને છ માસનો ગર્ભ, પુત્રી આપશે સંતાનને જન્મ: પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમની કરી ધરપકડ
જામનગર શહેરમાં સાવકા બાપે સગીરવયની પુત્રી ઉપર સાતેક માસ પહેલા દુષ્કૃત્ય આચરીને ગર્ભવતી બનાવી દેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે નરાધમ બાપ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. સગીર વયની પુત્રીને ૬ માસનો ગર્ભ હોવાથી તેણી બાળકને જન્મ આપશે.
જામનગર શહેરના ગાંધીનગર, મચ્છરનગરમાં રહેતી ૧૬ વર્ષની પુત્રી સાતેક મહિના પહેલા તેણી ઘરે હતી. માતા તેમજ પરિવારના અન્ય કોઈ સભ્ય હાજર ન હતા. જેથી હવસનો કીડો જાગી ઉઠતાં એકલતાનો લાભ લઈને નરાધમ સાવકા બાપે તેણીની ૧૬ વર્ષની પુત્રીને ઘરમાં સવારમાં આઠ વાગયામાં લઈ ગયો હતો. બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી ધાક-ધમકીઓ આપીને અવાર-નવાર બળજબરીથી દુષ્કૃત્ય આચર્યું હતું. આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પુત્રીએ કોઈને જાણ કરી ન હતી પરંતુ તેણી ગર્ભવતી બની જતાં અને વારંવારમાં પેટમાં દુ:ખાવો થતાં માતાને શંકાઓ જતાં તેણીએ પુત્રીને પુછયું હતું.
જેથી પુત્રીએ માતાને વાત કરી હતી. આથી માતા પણ ચોકી ઉઠી હતી અને ગઈકાલે સાંજના સીટી બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કૃત્ય તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંઘ્યો હતો. સગીરાનો કબજો લઈને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેણીને છએક માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. આ અંગેની પીઆઈ જી.પી.પરમારે સ્ટાફ સાથે તપાસ આરંભીને આરોપી સાવકા પિતાની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયારે આરોપીની પત્ની મૃત્યુ પામ્યા બાદ હાલ રહેલી પત્નિ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેણીને એક પુત્રી ૨ વર્ષની હતી પરંતુ પ્રેમ સંબંધ હોય અને સહારાની જરૂર હોવાથી ૨ વર્ષની પુત્રીને પણ સ્વિકારીને હાલની પત્નિ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન જીવન બાદ પણ એક સંતાન પુત્ર છે. હાલ તે ૨ વર્ષની પુત્રી ૧૬ વર્ષની થઈ ગઈ છે અને સાવકા પિતાનો દુષ્કૃત્યનો ભોગ બની છે.