જામનગરની જી.જી. હોસ્પિટલમાં બીજા જિલ્લાઓના કોરોનાના દર્દીઓના સતત ધસારાથી સ્થિતિ અત્યંત કફોડી અને કટોકટીભરી બની ગઈ છે. જી.જી. હોસ્પિટલમાં હાલ એક પણ બેડ ખાલી નથી ત્યારે તંત્ર દ્વારા પણ અન્ય જિલ્લાના દર્દીઓને સારવાર માટે ન આવવા વિનંતી કરવામાં આવી છે. જામનગરમાં પોઝિટિવ દર્દીઓની સામે ડિસ્ચાર્જ દર્દીઓનો રેશિયો ઓછો હોવાથી હોસ્પિટલ પર અતિશય ભારણ છે ત્યારે 370 બેડની નવી સુવિધા ઉભી નહીં થાય ત્યાં સુધી જામનગરમાં આ કટોકટી જેવી સ્થિતિ યથાવત જ રહેશે.
જિલ્લા કલેકટરે કહ્યું…1232 બેડ સામે 2000 પેશન્ટ છે, બહારગામના દર્દીઓને વિનંતી છે કે, જામનગરમાં ન આવો… અમે બહારગામથી આવતા પેશન્ટોને વિનંતી કરીએ છીએ કે તેઓ જામનગર ન આવે, અમે દિલગીર છીએ. કારણ કે, અમારી પાસે 2000 પેશન્ટ છે જે 1232 બેડની હોસ્પિટલમાં હાલ છે, 60 જેટલી એમ્બ્યુલન્સો હોસ્પિટલની બહાર વેઈટિંગમાં છે જેને અમે દાખલ કરી શકતા નથી. દર 3થી 5 મિનિટે એક એમ્બ્યુલન્સ મોરબી અને રાજકોટથી આવે છે. અમે પેશન્ટને જગ્યા થશે એટલે દાખલ કરીશું, પરંતુ તેના માટે ઓછામાં ઓછા 4 દિવસ લાગશે. પ્લીઝ અમને મદદ કરો.