પતિના અનૈતિક સંબંધનો વિરોધ કરનાર મુસ્લિમ પરિણીતાને સાસરીયા મારકુટ કરતા
ધી મુસ્લિમ વુમેન પ્રોટેકશન ઓફ રાઈટ ઓન મેરેજ એકટ મુજબ જામનગરમાં પ્રથમ કિસ્સો નોંધાયો
ભારત સરકાર દ્વારા ત્રિપલ તલાકના કાયદાને તલાક આપ્યા બાદ મુસ્લિમ પરિણીતાઓએ સાસરીયાઓના ત્રાસ અને પતિના અત્યાચાર સામે અવાજ ઉઠાવી હિંમત દાખવી છે ત્યારે જામનગરમાં પતિના અનૈતિક સંબંધનો વિરોધ કરનાર પત્નિને પતિએ ત્રિપલ તલાક કહી કાઢી મુકતા મહિલાએ જામનગર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જામનગરમાં ત્રિપલ તલાકનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં આવેલા ગુલાબનગરમાં રાજ પાર્ક રંગમતી સોસાયટીમાં રહેતી નાઝમીનબેન ઈમ્તીયાઝ ખેરાણી નામની મુસ્લિમ પરિણીતાએ પતિ સહિતનાં સાસરીયા સામે ધ મુસ્લિમ વુમેન પ્રોટેકશન ઓફ રાઈટ ઓન મેરેજ એકટ મુજબ શારીરિક માનસિક ત્રાસ આપી ત્રણ વાર તલાક તલાક કહી પતિએ છુટાછેડા આપી દીધાની ફરિયાદ નોંધાવી છે. નાઝમીનબેન ખેરાણીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેણી હાલ તેના માતા મુમતાઝબેન અને પિતા યુસુફભાઈ સાથે રહે છે.
ગઈ તા.૬/૧૨/૨૦૧૫નાં રોજ તેના લગ્ન મુસ્લિમ સમાજના રીત રીવાઝ મુજબ જામનગરમાં રહેતા ઈમ્તીયાઝ જુસેબ ખેરાણી સાથે થયા છે અને પતિ સાથે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટી ખાતે રહે છે. લગ્ન જીવન દરમ્યાન તેને સંતાનમાં એક પુત્ર શાહનવાઝ (ઉ.વ.૩) છે. બે વર્ષ સુધી સાસરીયાઓએ સારી રીતે પરિણીતાને રાખ્યા બાદ તેના પતિ ઈમ્તીયાઝને કોઈ અન્ય સ્ત્રી સાથે અફેર હોવાની જાણ નઝમીનબેનને થતા તેણીએ પતિને સમજાવ્યા કે આવી ન કરો ત્યારે પતિએ તેણીને મારકુટ કરી હતી અને આ બાબતે તેના સસરા જુસબ આમદ ખેરાણી, સાસુ રઝીયાબેન અને દિયર ફિરોઝને જાણ કરતા સાસરીયાઓએ ઈમ્તીયાઝને સમજાવવાના બદલે નાઝમીનબેનને મારકુટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી ઈમ્તીયાઝને મદદગારી કરી હતી.
દુ:ખ ત્રાસ સહન નહીં થતા સાસરીયાઓના ત્રાસ અંગે પરિણીતાએ તેના પિતાને જાણ કરતા તેઓ ત્યાં આવ્યા ત્યારે પતિ ઈમ્તીયાઝે તને જોતી નથી તેમ કહી ત્રણ વાર તલાક તલાક તલાક કહી ઘરમાંથી કાઢી મુકી હતી. બનાવ બાદ નાઝમીનબેન તેના પિતા સાથે માવતરના ઘરે આવી ગયા બાદ જામનગર મહિલા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે આઈપીસી કલમ ૪૯૮-એ, ૫૦૪, ૩૨૩, ૧૧૪ તથા ધ મુસ્લિમ વુમેન પ્રોટેકશન ઓફ રાઈટ ઓન મેરેજ એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે. ત્રિપલ તલાકનો કાયદો ભારતમાં અમલમાં આવ્યા બાદ જામનગર મહિલા પોલીસે પ્રથમ વખત પતિ ઈમ્તીયાઝ, સસરા જુસબભાઈ, સાસુ રઝીયાબેન તથા દિયર ફિરોઝ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.