બેઠકમાં બે જ એજન્ડાને એની ચર્ચા પેન્ડિંગ રાખવા ઠરાવ
મહાપાલિકા જનરલ બોર્ડની બેઠકમાં મેયરની બેધડક કબુલાત
નદીના પટમાં દબાણના કારણે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તેમ મહાપાલિકાના જનરલ બોર્ડમાં મેયર હસમુખ જેઠવાએ કબુલ કર્યું હતું. જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક મ્યુનિ.ટાઉનહોલના ઓડીટોરિયમમાં યોજાઈ હતી, પણ આ બોર્ડના એજન્ડામાં બે જ મુદ્દાઓ રજૂ કરાયા હતાં અને તે બન્ને મુદ્દાઓ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર પેન્ડીંગ રાખવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો.
મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષના કોર્પોરેટર યુસુફભાઈ ખફીએ સવાલ ઊઠાવ્યો હતો કે એજન્ડામાં ગત મિટિંગની મિનિટ્સને બહાલી આપવી, રિક્વિઝેશન મિટિંગની મિનિટ્સને બહાલી આપવાના તથા શિક્ષણ સમિતિની બેઠકની મિનિટ્સની જાણ કરવા જેવા રાબેતા મુજબના મુદ્દા જ છે. જે બાકીના મહત્ત્વના બે મુદ્દા છે જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસેની વાણિજ્ય હેતુ માટેની જમીનને રહેણાંક હેતુ માટેના બાંધકામમાં પરવાનગી આપવાના મુદ્દા શા માટે પેન્ડીંગ રાખી દેવામાં આવ્યા છે. શું હાલ શહેરમાં કોરોના સહિત સમસ્યા અંગેનો કોઈ મુદ્દો જ ચર્ચા માટે નથી?
વિપક્ષના નેતા અલ્તાફભાઈ ખફીએ શહેરમાં રખડતા ઢોર, સ્લમ વિસ્તારોમાં સફાઈનો અભાવ, કોરોનાનું વધતું સંક્રમણ વગેરે અંગે ચર્ચા કરી યોગ્ય પગલાં લેવા જોઈએ અને વિરોધપક્ષની રજૂઆતો સૂચનોને ધ્યાનમાં લેવા ટકોર કરી હતી. વરસાદી પાણી અનેક વિસ્તારોમાં ભરાય જવા અંગે તેમણે મેયરના વિસ્તારનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે તમારા ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતાં! ત્યારે મેયરે બોર્ડમાં બેધડક જાહેર કર્યું કે નદીના પટમાં દાબાણના કારણે જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે.
વિપક્ષના દેવશીભાઈ આહિર તથા આનંદ રાઠોડે પણ ચર્ચામાં ભાગ લઈ અત્યાર સુધીમાં મનપાને રાજ્ય સરકાર તથા ખાનગી કંપનીઓ તરફથી શું શું સહાય/રકમ મળી છે તેની વિગતો આપવા જણાવતા મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોર્પોરેશનને પાંચ કરોડ ૮૬ લાખ સરકાર તરફથી મળ્યા છે. નયારાએ સાધનો-ઉપકરણો, સેનિટાઈઝીંગનું વાન વગેરે આપ્યા છે. રિલાયન્સે પણ સાધન સહાય આપી છે.
સત્તાધારી પક્ષના સિનિયર કોર્પોરેટર દિનેશભાઈ પટેલે સૂચન કર્યું હતું કે દરેક કોર્પોરેટર તેમની ગ્રાન્ટમાંથી રૃપિયા બે-બે લાખ જી.જી. હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં આપે અને તે રીતે મનપા સરકારી હોસ્પિટલમાં સહાયરૃપ બને. આ તકે મેરામણ ભાટુએ જણાવ્યું હતું કે, આ સ્વૈચ્છિક નિર્ણયની વાત છે. ભાજપના તમામ ૪૮ સભ્યો તેમની ગ્રાન્ટમાંથી બે-બે લાખ ફાળવશે. વિપક્ષી સભ્યો માટે ફરજીયાત નથી. તેમના વિસ્તારના વિકાસ કામ માટે ગ્રાન્ટ વાપરે તો કોઈ વાંધો નથી.
વિપક્ષી સભ્યો લોકોની સમસ્યા રજૂ કરવામાં ઉણા ઉતર્યા
સમગ્ર રીતે આજના જનરલ બોર્ડમાં આમ જુઓ તો કોઈ એજન્ડા જેવું હતું જ નહીં, અને સત્તાધારી પક્ષે શા માટે બે જ મુદ્દા હતાં અને તે પણ ચર્ચા વગર પેન્ડીંગ રાખવાનો ઠરાવ કર્યો તે અંગે પણ વિપક્ષી સભ્યોમાં સેટીંગ થયું નહીં હોવાનો ગણગણાટ થયો હતો. જ્યારે સામા પક્ષે વિપક્ષના સભ્યો પણ શહેરમાં કોરોના તથા અન્ય સમસ્યાઓ અંગે ધારદાર પ્રશ્નો કે રજૂઆત કરવામાં ઉણા ઉતર્યા હતાં.
બોર્ડ પૂર્વે કોર્પોરેટરે અધિકારીને ફડાકા ઝીંક્યા
મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાય તે પૂર્વે જ ટાઉનહોલના પટાંગણમાં ભાજપના એક કોર્પોરેટર અને કોર્પોરેશનના અધિકારી વચ્ચે કોઈ અંગત બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીમાં કોર્પોરેટરે તેમની જ જ્ઞાતિના અધિકારીને જાહેરમાં બે-ત્રણ ફડાકા ઝીંકી દીધાની ઘટના બનતા વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું હતું.
નગરસેવિકા નંદાણીયાએ બેઠકનો બહિષ્કાર કર્યો
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના નગરસેવિકા રચનાબેન નંદાણિયાએ રેંકડીઓવાળા સામેની કાર્યવાહી, ડીપી કપાત સહિતના ત્રણ મુદ્દે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા સાથે મનપાની જનરલ બોર્ડની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ત્રણેય ગંભીર મુદ્દા અંગે તેમનો વિરોધ અને લડત ચાલુ રહેશે.
વધુ દસ સીએનજી સિટી બસને સ્થાયી સમિતિની મંજૂરી
જામનગર મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠકમાં જામનગર શહેરના વિવિધ સમિતિની બેઠકમાં જામનગર શહેરના વિવિધ વિસ્તારોના લોકોને લાભ મળે તે હેતુસર વધુ દસ સીએનજી બસને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત નવાગામ (ઘેડ)ના બાકી રહેતા ભૂગર્ભ ગટરના હોમ કનેક્શન માટે રૂપિયા એક કરોડ, પાંચ વોર્ડમાં લોકભાગીદારીથી સીસી બ્લોક/સીસી રોડના કામ માટે રૂપિયા ૮.પ કરોડ, ખાનગી પાર્ટીએ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ ખરીદેલી ૧૦ સીએનજી બસો દોડાવવા માટે રૂપિયા ૮૬.૪૦ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત જેટકોને ૪૬૬પ ચો.મી. જમીન વેંચાણથી આપવાનો ઠરાવ થયો હતો, જેથી મનપાને રૂપિયા ૮.૯૬ કરોડની આવક થશે. આ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જોષી, ડે. મેયર કરસનભાઈ કરમૂર, મ્યુનિ. કમિશનર સતિષ પટેલ તથા સભ્યો હાજર રહ્યા હતાં.