વહીવટી તંત્ર દ્વારા ૯૮૦ ટન યુરયાની ટ્રેન મારફતે આયત કરી લીધા બાદ પોલીસની હાજરીમાં ખેડૂતોને વિતરણ શરૂ કર્યું
જામનગર, સાગર સંઘાણી
જામનગર શહેરમાં યુરિયાના મુદ્દે ખેડૂતો રોષે ભરાયા હતા, મંગળવારે સવારે રણજીત સાગર રોડ પર યુરિયાના મુદ્દે ખેડૂતોએ ચક્કાજામ સર્જી દેતાં ભારે દોડધામ થઈ હતી, તે સમયે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. દરમિયાન તંત્ર દ્વારા ૯૮૦ ટન યુરિયા ભરેલી ટ્રેનની આયાત કરી લેવાયા પછી ટ્રકમાં યુરિયાનો જથ્થો લોડ કરીને સપ્લાય કરવામાં આવી રહ્યો છે, અને પોલીસની હાજરીમાં જ યુરિયા ખાતરનું ખેડૂતોને વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં રણજીત સાગર રોડ પર આવેલા સરકારી કિસાન સુવિધા કેન્દ્ર પર સબસીડી વાળું યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો છેલ્લા દસ દિવસથી પરેશાન થઈ રહ્યા છે, અને શોર્ટ સપ્લાયને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા..
ત્યારે નારાજ થયેલા ખેડૂતો દ્વારા ચક્કા જામ સર્જી દીધા હતા, જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.
વહીવટી તંત્ર દ્વારા સરકારી સબસીડી વાળું યુરીયાની ૯૮૦ ટન ભરેલી એક ટ્રેન જામનગરના હાપા ખાતે આવી પહોંચી હતી, જેના વિતરણ માટે વહીવટીતંત્ર દ્વારા સરકારી તેમજ અન્ય ડેપોમાં યુરિયા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને પોલીસની હાજરીમાં જ તેનું વિતરણ શરૂ કરી દેવાયું હતું.