જામનગરના સાંઢિયા પુલ પાસેથી પોલીસે એક શખ્સને શક પડતા બાઈક સાથે પકડી પાડયા પછી આ શખ્સે છેલ્લા આઠક મહિનામાં નગરમાં જુદા જુદા સ્થળેથી અઢાર વાહન ઉઠાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે આઠ વાહન ઝબ્બે કર્યા છે.
જામનગરના ગોકુલનગર નજીકના સાંઢિયા પુલ પાસે ગઈકાલે સિટી-સી ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન પીએસઆઈ કે.એલ. મકરાણી, સ્ટાફના પ્રતિપાલસિંહ, રાજેશ સૂવા, હિતેશ મકવાણાને મળેલી બાતમીના આધારે મૂળ ભાવનગર જિલ્લાના ધારિયાધારના વતની અને હાલમાં વિભાપરના ભગવતી પાર્કમાં વસવાટ કરતા ગેરેજના વ્યવસાયી અનિલ પ્રવિણભાઈ લુંભાણીને જીજે-૧૦-એઈ ૯૭૦૮ નંબરના બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડયો હતો. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે આ વાહન એસટી ડેપો સામેની ગલીમાંથી ઉઠાવ્યા ઉપરાંત છેલ્લા સાતેક મહિનામાં જુદા જુદા સ્થળેથી અઢાર મોટરસાયકલ ચોર્યાની કબૂલાત આપી છે. તેણે સાતેક મહિના પહેલા એસટી ડેપો પાસેથી, છ મહિના પહેલા સુભાષબ્રિજ પાસેથી બે બાઈક ચોરવા ઉપરાંત ખોડિયાર કોલોની વિસ્તારમાંથી ત્રણ, ચારેક મહિના પહેલા સંતોષી માતાના મંદિર પાસેથી એક્ટિવાની ચોરી કર્યાની અને તે જ સ્થળેથી અન્ય બે વાહન પણ ઉઠાવ્યાની કબૂલાત આપવાની સાથે સમર્પણ સર્કલ પાસેથી ચાર વાહન ચોર્યાની કબૂલાત આપી છે.
આ શખ્સના કબજામાંથી હાલમાં પોલીસે આઠ ચોરાઉ વાહન કબજે કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના રાજેન્દ્રસિંહ બચુભા, મહિપાલસિંહ, હિતેન્દ્રસિંહ, લાભુભાઈ ગઢવી, રાધાબેન ગોજિયા સાથે રહ્યા હતા.