સતાધારી કોંગ્રેસ પક્ષ કમીટીઓની રચનાના મુદ્દે મડાગાંઠ ચાલુ રહેતા મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ ભારે ઉત્તેજનાપૂર્ણ વાતાવરણમાં યોજાનાર હતી. પરંતુ સત્તાધારી કોંગ્રેસ પક્ષમાં વિવિધ સમિતિઓના ચેરમેનપદ માટેની પસંદગીમાં મડાગાંઠ યથાવત રહેતા અંતે સત્તધારીપક્ષે સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને તે પ્રમાણે બહુમતિથી સભા મુલત્વી રાખવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના સભાગૃહમાં ૧૧-૩૦ વાગ્યે સામાન્ય સભા યોજાનાર હતી. પરંતુ ૧૨-૧૫ વાગ્યા સુધી સત્તાધારી પક્ષના સભ્યોની બેઠકમાં વિવિધ સમિતિઓના ચેરમેનપદના નામ અંગે સમાધાન થયું ન હતું અને અને અંતે વચલો રસ્તો કાઢીને હાલ સતત મુલતવી રાખવાનો નિર્ણય લેવાતા સૌ સભ્યો સભાગ્રહમાં આવ્યાં હતાં.
જિ.પં. પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની કાર્યવાહી શરૃ થતાં વેંતજ જિ.પં. પ્રમુખે સભા મુલતવી રાખવાની દરખાસ્ત રજૂ કરી હતી. જેને કોંગ્રેસના હાજર તમામ ચૌદ સભ્યોએ હાથ ઉંચા કરીને સમર્થન આપતાં દરખાસ્ત મંજૂર થઈ હતી.
આ સાથે જ હવે પછી સામાન્ય સભા આગામી તા. ૭મી ઓગસ્ટે સવારે ૧૧.૩૦ વાગ્યે આજના એજન્ડા પ્રમાણેની કાર્યવાહી માટે યોજાશે.
સામાન્ય સભામાં ગત બોર્ડની કાર્યવાહીને બહાલી આપતી જિ.પં. ભવનમાં રીનોવેશનનું કામ કરવું તેમજ વિવિધ સમિતિઓના સભ્યો ચેરમેનની મુદ્દત પૂર્ણ થતાં સમિતિઓની પુન: રચના કરવાના મુદ્દા હતાં.
સામાન્ય સભામાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. હકુભાએ હળવાશમાં એવી ટકોર કરી હતી કે, ૧ર દિવસ પછી પણ આજ જેવી સ્થિતિ રહેવાની છે. તો આજે જ ઘડો લાડવો કરી નાખોને…!
જિલ્લા પંચાયતમાં મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદના નામ અંગે સત્તાધારી કોંગ્રેસમાં આજે બપોરે ૧ર.૩૦ વાગ્યા સુધી ગૃહ મુલત્વી રાખવાની હદ સુધી કોઈ સમાધાન થઈ શક્યું ન હતું અને જાણવા મળતી વિગતો પ્રમાણે આઠેક જેટલા સભ્યોએ એક નામની પસંદગી પ્રત્યે નારાજગી દર્શાવી વિરોધ રજૂ કર્યો હતો.
અને પરિણામે સત્તાધારી પક્ષમાં છેવટ સુધી ચર્ચા-વિચારણા ચાલુ રહી હતી અને અંતે ગૃહ મુલતવી રાખવાના નિર્ણયમાં કમસેકમ સહમતિ સધાઈ શકી હતી.
સામાન્ય સભાના સમયે સમિતિઓના ચેરમેનની પસંદગીના મુદ્દે જો કોઈ નારાજગી સામે આવે તો પક્ષના સભ્યોમાં ભાંગતોડ થવાની ભીતિ પણ સેવાતી હતી. અને તેમાંય ભાજપના ધારાસભય હકુભાની એન્ટ્રી થતાં જ હાલ સભા મુલત્વી રાખવાનો નિર્ણય લઈ કોંગ્રેસે હાલ પુરતું તો જોખમ ટાળી દીધું છે. ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, સિનિયર અગ્રણી જે.ટી. પટેલે બધુ સમુસુતરૃં પાર પાડવામાં સફળતા મેળવી હતી.