કોરોનાથી ૨૪ કલાકમાં વધુ ૧૦ મોત, કુલ ૨૮ મોત

જામનગરમાં કોરોનાના નવા કેસમાં રાફડો ફાટ્યો હોય તેમ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે રાહતના સમાચાર એ હતાં કે, સાજા થનાર દર્દીઓની સંખ્યા ર૦૧ ની નોંધાઈ હતી. આમ ગઈકાલે ૧૦પ નવા કેસ નોંધાયાના હતાં, તો ર૦૧ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે છેલ્લા ર૪ કલાકમાં દસ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતાં.

જામનગરમાં કોરોનાનો ફૂફાડો યથાવત્ જળવાઈ રહ્યો છે. ગઈકાલે જામનગર શહેરમાં વધુ ૮૦ અને ગ્રામ્ય વિસ્તારમાં રપ મળી કુલ ૧૦પ કેસ નોંધાયા હતાં, તો તેની સામે શહેરી વિસ્તારના ૧પ૧ અને ગ્રામ્ય વિસ્તારના પ૧ મળી કુલ ર૦૧ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી તેવું ગઈકાલે સત્તાવાર રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું. હકીકતે મળતી માહિતી મુજબ છેલ્લા ર૪ કલાકમાં કુલ દસ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૭ અને ગ્રામ્ય વિસ્તારના ૧૧ મળી કુલ ર૮ દર્દીઅના મૃત્યુ થયાનું જ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. હકીકતે કોરોના કેસમાં અસંખ્ય દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, પરંતુ મૃત્યુના આંકડાને છટકાબરી ગોતીને છૂપાવાઈ રહ્યા છે.

જામનગર શહેરના ર૦૯ અને ગ્રામ્ય વિસ્તારના ૪૮ મળી જિલ્લામાં કુલ રપ૭ કેસ એક્ટિવ હોવાનું તંત્રએ જાહેર કર્યું છે.

જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા દેવેન્દ્રભાઈ દ્વારકાદાસભાઈ સવજાણીનું આજે કોરોનાની બીમારીમાં મૃત્યુ નિપજ્યું છે. બે દિવસ પહેલા તેમના પિતા દ્વારકાદાસભાઈ સવજાણી (ઉ.વ. ૭ર) નું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત જામનગરમાં ગ્રેઈન માર્કેટમાં તેલના વ્યાપારી સુવિધીકુમાર ભગવાનજીભાઈ પૂનાતર (ઉ.વ. ૮૦) નું પણ કોરોનામાં મૃત્યુ થયંહ છે, જ્યારે તેમના પુત્ર જયભાઈ પુનાતર હાલ કોરોનાના આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ છે. ઉપરાંત તેમના પરિવારજનો હાલ હોમ ક્વોરેન્ટાઈન છે.

સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ ચાર સામે કાર્યવાહી

જામનગરમાં ગઈકાલે જુદા જુદા વિસ્તારમાં પોલીસે ચેકીંગ કરી ચા-પાન, નાસ્તાનો વ્યવસાય કરતા ચાર વેપારીઓને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવતા પકડી પાડ્યા હતાં. કારણવગર આંટા મારતા ત્રણ અને માસ્ક વગર રખડતા એક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે યથાવત રાખેલા પેટ્રોલીંગમાં નગરના નાગનાથ નાકા પાસે આવેલી આનંદ પાન નામની દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જોવા નહીં મળતા દુકાનદાર ફૈઝલ અબ્દુલભાઈ સુમરા સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે જ્યારે ગુલાબનગર પાસે વિશ્વનાથ હોટલમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળતા પોલીસે તેના સંચાલક હુસેન નુરમામદ પીંજારા સામે કાર્યવાહી કરી હતી.

દરેડના પટેલ ચોકમાં દાસારામ ફરસાણ નામની રેકડી ચલાવતા અંકેશ ભીમાભાઈ સગરે પણ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવ્યો હતો. પડાણાના પાટીયા પાસેથી ગઈકાલે બપોરે ધ્રોલનો રવિ નરસીભાઈ સીંધવ પોતાની રિક્ષામાં અગિયાર મુસાફર ભરી જતો હતો ત્યારે પોલીસે તેને રોકી આઈપીસી ૧૮૮, ૨૭૭ તેમજ એપેડેમીક ડીસીસ એક્ટ અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

કાલાવડના સણોસરા ગામ પાસેથી કીરિટસિંહ લાલુભા જાડેજા, શેઠ વડાળામાંથી ઈમરાનખાન હુસેન મલેક, હાજી ઈશાક મલેક નામના ત્રણ શખ્સ કારણ વગર આંટા મારતા પકડાઈ ગયા હતાં. નગરના કામદાર કોલોની વિસ્તારમાંથી હર્ષ વિપુલભાઈ દરજી માસ્ક પહેર્યા વગર મળી આવ્યો હતો અને સુભાક શાકમાર્કેટ પાસે શાકની રેકડી રાખી ઊભેલા આરીફ યુસુફ મેમણે માસ્ક પહેર્યું ન હતું. તેથી પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.