પૂર્વ મંત્રી-ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના આંગણે કથામાં બંને એક મંચ પર ઉપસ્થિત રહેતા રાજકારણ ગરમાયુ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પગલાં માંડવા પર સૌની મીટ મંડાઈ છે ત્યારે જામનગરમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના આંગણે આયોજિત રમેશ ઓઝાની સપ્તાહમાં સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર ઉપસ્થિત રહેતા રાજકારણ ગરમાયુ છે. આ તકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ખોડલધામ ચેરમેન નરેશ પટેલને આવકાર્યા પણ હતા.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી ભાજપ નેતાઓ સાથે જોવા મળતા રાજકારણમાં અનેક અડકળો શરૂ થઈ છે. ત્યારે જામનગરમાં આયોજિત ધર્મેન્દ્રસિંહ જાડેજાના આંગણે આયોજિત સપ્તાહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ એક સાથે જોવા મળ્યા હતા. તેમની સાથે આ સમારોહમાં સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં એક જ મંચ પર સામાજિક અને રાજકીય કાર્યકર્તાઓ ભેગા થતા રાજકારણમાં અનેક ચળવળો દેખાઈ રહી છે.
ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની વાતો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તેઓની ભાજપના નેતાઓ સાથે જોવા મળતા વધુ તર્ક-વિતર્કો સેવાઇ રહ્યા છે. આ સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના સંબોધનમાં પણ નરેશ પટેલને આવકાર્યા હતા. આ તકે ભાજપના નેતા વરુણ પટેલે કહ્યું હતું કે સંજોગોવાત સી.આર.પાટીલ અને નરેશ પટેલ સમારોહમાં એક જ સમય પર હાજર રહ્યા હતા. આ સાથે વરુણ પટેલે ગુજરાત જનતા માટે ટુક સમયમાં જ સારા સમાચાર આવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
સી.આર.પાટીલ સાથે કોઈ પણ રાજકીય મુદ્દે ચર્ચા થઈ નથી: નરેશ પટેલ
રાજકારણમાં જોડાવવાની ઈચ્છા સાથે છેલ્લા કેટલાય સમયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં કવિ છે. ત્યારે હજુ પણ કોઈ પણ પક્ષ સાથે જોડાવવા માટે નરેહ પટેલે અણસાર આપ્યા ન હતા. ત્યારે જામનગર ખાતે સપ્તાહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે જ નરેશ પટેલ પણ જોડાયા હતા અને બંને એક મંચ પર જ બિરાજમાન થયા હતા. જેના કારણે રાજકારણનો માહોલ ગરમાયો હતો. પરંતુ આ વિશે નરેશ પટેલને પૂછતાં તેઓએ હાલ કોઈ નિર્ણય ન કર્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે નરેશ પટેલે વધુ ઉમેર્યું હતું કે હાલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે કોઈ પણ પ્રકારની રાજકીય મુદ્દે ચર્ચા થઈ ન હતી. રાજકારણમાં જોડાવવા માટે નરેશ પટેલ સર્વે બાદ જ નિર્ણય લેશે તેવું સ્પષ્ટ કહ્યું હતું.