નાણાની જરૂર પડતા હાથ માર્યાની કબુલાત
જામનગરમાં સ્વામી નારાયણ નગર વિસ્તારમાં રહેતી એક મહિલાના રહેણાંક મકાનમાંથી સોનાની બંગડી ચોરીનો ભેદ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે અને સોનાની બંગડી ચોરી કરનાર તે ઘરમાં કામ કરતી કામવાળી મહીલાને પકડી પાડી છે અને સોનાની બંગડી કબજે કરી લીધી છે. જામનગરમાં હાલાર હાઉસ પાછળ સ્વામિનારાયણ નગર ડ્રીમ સિટી શેરી નંબર ૨માં ઓમ સાંઈ બંગલોમાં રહેતી પાયલબેન નરેશભાઈ ગોપલાણી નામની મહિલાએ પોતાના મકાનમાંથી રૂપિયા ૪૦ હજારની કિંમતની સોનાની બંગડીની ચોરી થઇ ગયાની ફરિયાદ સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી કોઈ જાણભેદુ તસ્કરોએ પોતાના રહેણાંક મકાનના કબાટમાં થી બે બંગડીઓ પૈકીની એક સોનાની બંગડી ચોરી કરી લઇ ગયાનું ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદના અનુસંધાને એલસીબીની ટીમે તપાસનો દોર આગળ ધપાવી પાયલબેનના જ ઘરમાં કામ કરનારી કામવાળી મહિલા કે જે ભીમવાસ વિસ્તારમાં રહે છે. તેને શંકાના દાયરામાં લઈને તેની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરી હતી. દરમિયાન તેણે જ સોનાની બંગડી ચોરી કરી લીધી હોવાની કબૂલાત આપી હતી અને પોતાના ઘરમાં જ સંતાડેલી સોનાની બંગડી કાઢી આપી હતી. જે કબ્જે કરી લીધી છે. હલિમાબેનની ઉપરોક્ત ચોરીના ગુનામાં અટકાયત કરી લઈ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધી છે. પોતાને પૈસાની જરૂરિયાત ઊભી થઈ હોવાથી સોનાની બંગડી ચોરી કરી હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે.