રૂ.૧૦ લાખના રૂ.૧૮ લાખ વસુલ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે નોંધાતો ગુનો
રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા ઠેર ઠેર વ્યાજખોર સામે લાલ આંખ કરી છે.જેમાં જામનગરમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોધાઇ છે.જેમાં ફાઇનાન્સની ઓફીસમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકને વ્યાજખોર રૂ.૧૦ લાખના રૂ.૧૮ લાખ વસુલ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતો હોવાથી તેની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો અનુસાર સરુશેકન રોડ પર રહેતા અને ફાઇનાન્સની ઓફીસમાં મેનેજર તરીકે નોકરી કરતા જયભાઈ દોશીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને આરોપી ખુમાનસિંહ જાડેજા પાસેથી ૧૦% લેખે ૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.તેની સામે ૧૮ લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પર ખુમાનસિંહ તેની પાસેથી વધુ ૨ લાખ રૂપિયા પડાવવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા તેને તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.