કુલ 236 દુકાનો સામે કાર્યવાહી કરી રૂા.10.82 લાખનો દંડ વસુલાયો
જામનગર શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સીગનો ભંગ કરતા અને માસ્ક ન પહેરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી અને હોટલ તથા દુકાનો સામે સીલીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન કુલ 21 દુકાનો સીલ કરવામાં આવી હતી.જામનગર શહેરમાં ચાની હોટલો અને પાન-મસાલાની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સીગના પાલન ન કરવા સબબ કડક કાર્યવાહીમાં છેલ્લાં 24 કલાક દરમિયાન મહાપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસના સંયુકત ઉપક્રમે સોશિયલ ડિસ્ટન્સીંગના ભંગ કરતી 21 ચા અને પાન-મસાલાની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન થતું ન હોય અને લોકો માસ્ક ન પહરેતા હોવાથી આ દુકાનો સીલ કરવામાં આવી છે.
22 માર્ચથી 23 એપ્રિલ સુધીના સમય દરમિયાન જામનગર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી અંતર્ગત માસ્ક અંગેના કુલ 509 કેસમાં રૂ.5,22,300 નો દંડ વસૂલ કર્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સીગ ભંગના કુલ 1916 કેસમાં 5,59,940 ની રકમ દંડપેટે વસૂલવામાં આવી હતી.