જમ્મુ-કાશ્મીરથી ફરી એક એન્કાઉન્ટરના અહેવાલ છે. બાંદીપોરાના હાજિનના મીર મહોલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે.
સુરક્ષાદળોની નાકાબંદીમાં આતંકીવાદીઓ પોતાને ઘેરાયેલા હોવાની જાણ થતાં ફાયરિંગ શરૂ કરી દીધુ. આ અંગે સુરક્ષાદળના જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને બે આતંકીને ઠાર માર્યા. જેમાંથી એક આતંકીની ઓળખાણ અલી તરીકે થઈ છે, જે પાકિસ્તાની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે.
આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર કર્યા છે. ઠાર થનારો એક આતંકવાદી લશ્કરે તૈયબાનો અલી હોવાનું જાણવા મળ્યું છે. અલી પાકિસ્તાનનો વતની હોવાના પણ અહેવાલ હતો. આતંકીઓના ફાયરિંગમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન પણ શહીદ થયો છે.
બાંદીપોરા એન્કાઉન્ટરમાં સીઆરપીએફની 45મી બટાલિયન, એસઓજી અને ભારતીય સેનાની 13મી રાષ્ટ્રીય રાઈફલના જવાનોએ સંયુક્ત કાર્યવાહી કરી છે.
મહત્વપૂર્ણ છે કે અથડામણ દરમિયાન સ્થાનિકો દ્વારા સુક્ષાદળોને નિશાન બનાવીને પથ્થરમારો કરવાની ઘટના પણ બની છે.
સેનાએ ખીણમાં આતંકનો ખાતમો કરવા માટે ઓપરેશન ‘ઓલ આઉટ’ શરૂ કર્યુ હતુ. જે અંતર્ગત સુરક્ષાદળોએ કાશ્મીરમાં કાર્યરત 258 આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે. જેમાંથી કેટલાક આતંકીને અથડામણમાં ઠાર કરી દેવાયા છે.
આ યાદીમાં લશ્કર, હિઝબુલ મુઝાહિદ્દીન અને અલ બદ્ર જેવા સંગઠનો સાથે જોડાયેલા આતંકીઓ છે. ખાનગી એજન્સી સાથે મળીને આતંકીઓનું લિસ્ટ તૈયાર કરાયુ હતુ. લિસ્ટમાં જમ્મુ કાશ્મીરના 13 જિલ્લાના આતંકી સામેલ હતા. જેમાં 130 લોકલ આતંકી અને 128 વિદેશી છે. યાદીમાં સૌથી વધારે આતંકી કુપવાડા અને સોપોરના છે.