ભાજપને હાથે કરેલા હૈયે વાગી રહ્યા છે : ૭૦ હજાર કરોડના સિંચાઇ કૌભાંડમાં અજીત પવારને એસીબીની ક્લીનચીટ
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સાથે લડેલા ભાજપ અને શિવસેના વચ્ચે સર્વોપરિતાનો જંગ છેડાયો હતો જેથી બંને પક્ષો પાસે સ્પષ્ટ બહુમતિ હોવા છતાં સાથે સરકાર રચવાના બદલે સામસામે આવીને સરકાર રચવાના પ્રયાસો કર્યા હતા. જેમાં ખંધા રાજકારણી ગણાતા શરદ પવારે પોતાના રાજકીય તખ્તાને વધારે મજબુત બનાવવા ભત્રીજા અજીતને ભાજપ સાથે મોકલી તેમની સામે થયેલ સિંચાઈ કૌભાંડના અનેક કેસો બંધ કરાવ્યા હતા. જે બાદ પવારે ફરીથી તખ્તો પલ્ટીને શિવસેના સાથે મહા વિકાસ અઘાડી બનાવીને ઉધ્ધવ સરકારમાં કીંગ મેકરની ભૂમિકામાં આવી ગયા હતા ઉધ્ધવ સરકાર બનતાની સાથે જ પોતાના ભત્રીજા અજીત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવા શરદ પવારે તેમની સામેના સિંચાઈ કૌભાંડમાં લાંચ રીશ્વત બ્યુરો દ્વારા કલીન ચીટ અપાવીને તખ્તો તૈયાર કર્યા હોવાનું રાજકીય પંડીતો માની રહ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવારને રૂપિયા ૭૦,૦૦૦ કરોડના સિંચાઈ ગોટાળા પ્રકરણમાં એન્યી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા કલીન ચીટ આપવામાં આવી છે. એસીબીએ મુંબઈ હાઈકોર્ટની નાગપૂર ખંડપીઠમાં રજૂ કરેલી એફીડેવીટ દ્વારા આ સ્પષ્ટ થયું છે. આ એફિડેવિટને લીધે અજિત પવારને મોટી રાહત મળી હોવાનું સ્પષ્ટ થાય છે.
સિંચાઈ ટોળા પ્રકરણમાં સિંચાઈ વિભાગ સાથે સંબંધીત ૨૬૫૪ ટેન્ડરની તપાસ ચાલી રહી છે. તેમાંથી ૪૫ ટેન્ડરો વિદર્ભ સિંચાઈ મહામંડળના છે. જયારે ૨૧૨ટેન્ડર પ્રકરણની તપાસ પૂરી કરવામાં આવી છે. ૨૧૨માંથી ૨૪ પ્રકરણની નોંધણી કરવામાં આવી છે. આ ૨૪માંથી ૫ પ્રકરણમાં ચાર્જશીટ દાખલ કરવાનું કામ પૂરૂ થયું છે. તેમાંતી પૂરાવા નહી હોવાથી ૪૫ ટેન્ડરની તપાસ બંધ કરવામાં આવી છે. આમાંથી ૯ કેસ બંધ કરવામાં આવ્યા છે અને તેમાંથીકોઈ પણ પ્રકરણ સાથે અજિત પવારનો કોઈ સંબંધ નહી હોવાનું એસીબીએ એફિડિવેટમાં જણાવ્યું છે.
જોકે વધુ કોઈ માહિતી બહાર આવે અને જો કોર્ટ તે બાબતે કોઈ આદેશ આપે તો આ પ્રકરણની ફરીથી તપાસ કરવામાં આવી શકે છે. એવું એસીબીએ સુત્રોએ જણાવ્યું છે. આથી કોર્ટ હવે શું નિર્ણય આપે છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે.આ પૂર્વે પણ અજિત પવારને વિદર્ભના અમુક સિંચાઈ ગોટાળા પ્રકરણમાં કલીન ચીટ આપવામાં આવી હતી એસીબીનાં એસપી રશ્મી નાંદેડકરે મુંબઈ હાઈકોર્ટની નાગપૂર ખંડપીઠ સામે દાખલ કરેલી એફિડેવિટમાં અજિત પવાર વિરૂધ્ધ કોઈ પણ ફોજદારી કાર્યવાહી નહી કરી શકશે એવી નોંધ સ્પષ્ટ રીતે કરી હતી.