ભારતમાં ૨૫ કરોડ મોબાઈલગેમરો: વૈશ્વિક સ્તરેગેમીંગમાં ઈન્ડિયા ટોપ-૫માં
ટીનેજરો અને યુવાનોમાં આજકાલ ગેમનો ક્રેઝ ખૂબજ વધ્યો છે. લોકો મોટાભાગનો સમય સ્માર્ટફોન તેમજ ઓનલાઈન ગેમોમાં વેડફે છે. પહેલા તો ગેમરો સાયબર કાફેમાં પૈસા ભરીને ઓનલાઈન ગેમો રમતા હતા અને તે પ્રક્રિયા શોખીનો માટે હતી પરંતુ ખર્ચાળ હતી. ત્યારે હવે સ્માર્ટફોનોને કારણે દરેક લોકો મોબાઈલમાં પબજી, તીનપતી, સબવે સર્ફ, કેન્ડીક્રશ જેવી ગેમોમાં દિવસનો મોટાભાગનો સમય વેડફતા હોય છે.
એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, ભારતીયો દ્વારા મોબાઈલમાં પસાર કરવામાં આવતા સમયમાં વધુ એક ખુલાસો આવ્યો છે કે, નેટફલીકસ જેવા ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મો કરતા મોબાઈલ ગેમોમાં લોકો ૪૫ મિનિટ વધુ વેડફે છે. ડેટા માર્કેટીંગ એસોસીએશન ઈન્ડિયાના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, ભારતમાં દર ચારમાંથી ત્રણ ગેમરો મોબાઈલ ફોનમાં દિવસમાં બે વખત ગેમ રમે છે.
ભારતમાં ૨૫૦ મીલીયનથી પણ વધુ મોબાઈલ ગેમરો છે. વૈશ્ર્વિકસ્તરે ગેમીંગમાં ભારત ટોપ-૫માં સ્થાન ધરાવે છે. મોટાભાગના મોબાઈલ ગેમરો સાંજના ૭ વાગ્યાથી લઈ મધરાત્રી સુધી ગેમમાં સમય પસાર કરે છે. જેમાં મલ્ટીપ્લેયર ગેમો જેમ કે, પબજી આ ગેમ માર્ચમાં લોન્ચ કરવામાં આવી હતી. મોટાભાગના લોકો આજે પબજી ઘેલા બની ચૂકયા છે. આ પ્રકારની ગેમો વ્યસન માફક લોકોનો સમય ખાઈ રહી છે. આ ગેમોથી વોઈસ ચેટ અને ટીમ પ્લેઈંગનું ચલણ વધ્યું છે. કેટલાક દેશોમાં પબજી ચેમ્પીયનશીપ અને ટૂર્નામેન્ટ પણ યોજાય છે તેમાં હજારોના ઈનામો રાખવામાં આવે છે.