નાગ-સર્પ અને સ્નેક જેને જોતા જ માણસને ડર લાગે છે. ‘સાપ’એ કુદરતનો એવો સરિસૃપજીવ છે જે સમગ્ર પ્રાણી જગતમાં સહુથી વધારે કુતુહલ જગાડે છે. સાપના ડરને કારણે આપણે તેને મારી નાંખતા પણ અચકાતા નથી. આપણાં દેશમાં દર વર્ષે 50 હજાર જેટલા લોકોના સર્પદંશથી મૃત્યુ થાય છે. ભારતમાં ઇજાને કારણે થતાં કુલ મૃત્યુ 5 ટકાની સામે 0.5 ટકા મૃત્યુ સર્પદંશથી થાય છે. સર્પદંશથી મૃત્યુ-અપંગતા નિવારવા લોકજાગૃતિની તાતી જરૂરીયાત છે. આપણા દેશમાં ધર્મપરંપરામાં ‘નાગ દેવતા’ તરીકે પૂજાય છે. તેના નિવારણ માટે લોક શિક્ષણ અને જાગૃતિની જરૂર છે. આજે ગામ-શહેરોમાં આવા સ્નેક કેચર હોય છે જે તેને પકડીને કુદરતી પર્યાવરણમાં તેને મુક્ત કરી દે છે.
સમગ્ર પ્રાણી જગતમાં સહુથી વધારે કુતુહલ ‘સાપ’ જગાડે છે: ખોટી માન્યતા અને ડરને કારણે લોકો તેને મારી નાંખતા પણ અચકાતા નથી: બધા જ સાપ ઝેરી હોતા નથી: સર્પ દંશ એક બહુ મોટી જાહેર આરોગ્યની સમસ્યા છે
સર્પદંશના નિવારણ માટે સામાજીક શિક્ષણ અને જાગૃતિ સૌથી અસરકારક પધ્ધતિ છે: આપણે ત્યાં ધર્મ પરંપરામાં ‘નાગ દેવતા’ને જોડવામાં આવે છે
સામાન્ય રીતે ઘર-વાડી કે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં સાપ નિકળતા હોય છે. હાલના ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં ઘણા સાપો આપણી આસપાસ જોવા મળે છે. હમણાં શ્રાવણ મહિનો આવે છે ત્યારે શિવજીના ગળામાં સુશોભિત આ નાગની પૂજા પણ થશે. સાપોની પણ વિવિધ પ્રજાતિઓ હોય છે જેમાં મોટાભાગના બિનઝેરી હોય છે, કોબ્રા જેવી અમુક પ્રજાતિઓ ઝેરી હોવાથી સર્પદંશના બે-ત્રણ કલાકમાં સારવાર મળી જાય તો બચવાના ચાન્સ વધી જતાં હોય છે. આજે લોકો અંધશ્રધ્ધાને કારણે ઝેર ઉતારવા જેવા ખોટા પ્રયોગો કરવાથી મૃત્યુ થાય છે.
પ્રાચીન કાળમાં માનવીને સર્પદંશને કારણે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે આટલો મેડીકલી વિકાસ ન હોવાથી લોકોના મનમાં નાગ પ્રત્યેનો ડર આજે પણ યથાવત છે. આજે વિપુલ પ્રમાણમાં સારવાર ઉપલબ્ધ હોવાથી સર્પોને લોકો ઓછા મારે છે. નાગએ પર્યાવરણનો રક્ષક છે. ‘ઘામણ’ તો ખેડૂતની મિત્ર કહેવાય છે કારણ કે પાકને નુકશાન કરતાં નાના જીવોને નાગ હડપ કરતો હોવાથી પાકનું રક્ષણ કરે છે.
છેલ્લા ત્રણ-ચાર દાયકાથી નેચર પ્રેમી-પર્યાવરણ સંતુલન કરતા યુવા વર્ગો નાગની વહારે આવ્યા હોવાથી તેને રક્ષણ મળ્યું છે. એક વાત નક્કી છે કે પૃથ્વી પર તો કોઇ જીવ અકારણ પૃથ્વી પર અવર્ત્યો નથી તેમ નાગ પણ પર્યાવરણનો રક્ષક છે. તેના વિશે લોકોમાં ઘણી લોક વાયકા અને ગેર માન્યતાઓ જોડાયેલી હોય છે. નાગ-નાગણીની વાતો, ઇચ્છાધારી સાપ, ઉડતી નાગણી જેવી અનેક વાતો સાથે નાગ વિશે ઘણી અંધશ્રધ્ધા પર્વતે છે.
આશરે ત્રણ હજાર લાખ વર્ષો પહેલા આપણી પૃથ્વી ઉપર અનેક સરિસૃપોની વિવિધ જાતી અસ્તિત્વમાં આવી હતી. ડાયનાસોરના વિનાશ બાદ ગરોળી જેવા વિવિધ સરિસૃપોમાંથી પરિવર્તિત થઇને સર્પોના સમુહ જોવા મળવા લાગ્યા હતાં. જમીન અંદર કે બખોલ કે પહોડોની કોતરમાં શહેરી વિસ્તારથી દૂર તેનો વસવાટ જોવા મળતો હતો પણ જંગલો કપાતા વસ્તીના વિકાસના પગલે ખોરાકની શોધમાં અન્ય પ્રાણીઓ સાથે સાપ પણ માનવ વસ્તીની આસપાસ જોવા મળવા લાગ્યા હતાં.
સરિસૃપોની શ્રેણીમાં કાચિંડા, સર્પ, કાચબા, મગર, ટુ આટારા જેવા વિવિધ પૃથ્વી પર જોવા મળે છે. તેમાં સાપની વિવિધ 2,923થી વધુ પ્રજાતિ વિશ્ર્વમાં અને ભારતમાં 300થી વધુ પ્રજાતિના નાગ જોવા મળે છે. આપણાં ગુજરાતમાં તેના આઠ સમુહો સાથે 58 પ્રકારના સર્પો હાલ જોવા મળી રહ્યાં છે. સાપમાં બોઆ અને અજગર પ્રજાતિમાં પેલ્વિક સ્પરની જોડીના સ્વરૂપમાં ઉપાંગો જોવા મળે છે. કેટલાક સાપો જળચર હોય છે. જે પાણીમાં જ રહે છે તેની ફેફ્સાની રચના અન્ય સાપો કરતાં જુદી જોવા મળે છે.
સર્પો વિશે ઘણી શ્રધ્ધા-માન્યતાઓ પર્વતે છે જેમાં સાપની કાંચબીને હિન્દુ ધર્મમાં મહત્વનું સ્થાન અપાયું છે. સાપ દૂધ પીવે છે, નાગને મારો તો નાગણી તમારો ફોટો પાડીને વેર વાળે છે, સાપ ગુપ્ત ખજાનાનું રક્ષણ કરે છે, અજગર સાપ બહુ ઝેરી હોય તો ખડચીતળ સાપ કરડે તો સડો થાય જેવી અનેક અંધશ્રધ્ધાઓ છે પણ વાસ્તવમાં આવું કાંઇ હોતું નથી આ તમામ વાતો ખોટી છે.
ગુજરાતમાં જોવા મળતા 61 પ્રજાતિના સાપમાંથી ચાર જાત થી જ માનવીને જોખમ છે જેમાં ઇલાપીડી પ્રજાતિના-2, કાળોતરો અને વાયપેરીડીના ખેક, ખડચીતળો અને ફૂરસો સાપ ઝેરી હોવાથી તેના સર્પદંશથી મૃત્યુનો ભય રહે છે. જો કે સમયસરની મેડીકલ સારવારથી 100 ટકા જીવ બચી શકે છે. ખાસ 57 પ્રકારની જાતો પૈકી 4 જાતિઓ જ ઘાતક હોય છે. પોતાના સ્વરક્ષણ માટે તેને ઝેરની કોથળી નામનું અંગ હોય છે. તેની બે નળીને વિષદંત કહેવાય છે, બંને દાંત પોલા અને ખાંચાવાળા હોય છે, જેની સાથે વિષદંત જોડાયેલા હોય છે એથી જ તે દંશ માર્યા પછી તેના દંતના પોલાણમાંથી ઝેર કે વિષ બહાર કાઢે છે.
ભારતમાં વિવિધ ઝેરી સર્પોમાં ચાર પ્રકારનું વિષ જોવા મળે છે. જે પૈકી ગુજરાતમાં બે પ્રકારના વિષવાળા સર્પો જોવા મળે છે. જેમાં ન્યુરોટોકિસક અને હિમોટોકિસક ઝેર આપણાં નાગ, કાળોતરો, ખડચીતળો અને ફુરસા નાગમાં જોવા મળે છે. બાકીના બે માં બેન્ડેડ ક્રેટ અને દરિયાઇ સાપોમાં સાયટોકિસક અને માયટોકિસક વિષ જોવા મળે છે. આપણા વિસ્તારના સર્પદંશથી નર્વસ સિસ્ટમ પર હુમલો કરીને ચેતાતંત્રને ખોરવી નાંખે છે. આપણા દેશમાં સર્પદંશની સારવાર માટે માનક રાષ્ટ્રીય નિયમો નથી બન્યાં.
સર્પદંશ માટે પ્રાથમિક સારવાર ખૂબ જ જરૂરી છે. ક્યારેય કાપો ન મુકોને ઝેર ચુસવાનો પ્રયત્ન ન કરો, ભૂવા, મદારી પાસે કે ઘરગથ્થું ઇલાજ ન કરો. કોબ્રા, કાળોતરો, ખડચિતળો, ફૂરસો, કૃમિસર્પ, ભંફોડી, આંધળી ચાકળણ, અજગર, ડેડું, ધામણ લીલ કે ચળકતી, રૂપસુંદરી, વરૂદંતી, કુકરી, રેતીયો, ખેતરીયુ, શ્યામ શિર સર્પ, કેવડીયો જેવા વિવિધ સાપોની પ્રજાતિ હોય છે.
સર્પને ઓળખ્યા વિના અન્યાય ન કરવો
ગુજરાતમાં જોવા મળતી 61 પ્રકારની સાપની પ્રજાતિમાંથી 4 જાત જ ઝેરી હોય છે. દેશમાં ઝેરી સાપોનું ચાર પ્રકારનું જૂથ જોવા મળે છે તે પૈકી 2 આપણાં ગુજરાતમાં જોવા મળે છે. આપણા દેશમાં 300થી વધુ પ્રજાતિના સાપો જોવા મળે છે. વિશ્ર્વભરમાં વિશાળ એનાકોન્ડા જેવી વિવિધ સાપોની 2,923 પ્રજાતિ જોવા મળે છે.
સર્પને ઓળખ્યા વગર તેને અન્યાય કરવો યોગ્ય નથી. આપણા દેશમાં આઠ સમુહોના 58 પ્રકારનાં સર્પો જોવા મળે છે. તેની ઘણી ગેરમાન્યતા, લોકવાયકાની સામે લોક શિક્ષણ અને જાગૃતિ લાવવી જરૂરી છે. આજે વિપુલ પ્રમાણમાં મેડીકલી સારવાર ઉપલબ્ધ હોવાથી ડર રાખવાની જરૂર નથી. છેલ્લા ત્રણ-ચાર દશકાથી નેચર લવર, સ્નેક કેચરના જનજાગૃતિ પ્રયાસો થકી વાતાવરણમાં ઘણો સુધારો થયો છે.