ઓરી-રૂબેલા રોગને પ્રસરતો અટકાવવાં ગીર-સોમનાથ જિલ્લામાં ૯ માસ થી ૧૫ વર્ષનાં ૩ લાખ ૮ હજાર બાળકોનું કરાશે રસીકરણ
સમગ્ર દેશમાં ૨૦૨૦ સુધીમાં ઓરી રોગની નાબુદી અને રૂબેલા (નુરબીબી) ને નિયંત્રણ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. તેનાં ભાગરૂપે આગામી જૂલાઇ માસમાં ગીર-સોમનાથ જિલ્લાનાં ૯ માસથી ૧૫ વર્ષનાં ૩ લાખ ૮ હજાર બાળકોને ઓરી અને રૂબેલા (નુરબીબી) થી રક્ષિત કરવા રસીકરણ કરવામાં આવશે. ઓરી-રૂબેલાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી.
ઇણાજ સેવા સદન ખાતે આજે અધિક કલેકટરશ્રી એચ.આર.મોદીનાં અધ્યક્ષસ્થાને આ રસીકરણ કાર્યક્રમનાં સુચારૂ આયોજન માટે યોજાયેલ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરત આચાર્યએ કહ્યું કે, ઓરી એક જીવલેણ બિમારી છે અને બાળકોમાં થતા મૃત્યુનાં મોટા કારણો પૈકીનું એક છે. ઓરી ખુબ જ ચેપી રોગ છે અને આ એક ચેપગ્રસ્ત વ્યક્તિ ઉધરસ અને છીંક ખાવાથી થાય છે. જો સ્ત્રી ગર્ભાવસ્થાનાં આરંભે મિઝલસ રૂબેલાથી ચેપગ્રસ્ત બની હોયતો જન્મજાત રૂબેલા સીન્ડ્રોમ વિકસીત થઇ શકે છે. જે ગર્ભ અને નવજાત બાળક માટે ગંભીર અને ઘાતક સાબીત થઇ શકે છે.
ઓરી-રૂબેલાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી
ગીર-સોમનાથ જિલ્લાની તમામ શાળા, આંગણવાડી, વાડી વિસ્તાર સહિત તમામ વિસ્તારોને આવરી લેવાશે. એમ.આર. અને એમ.એમ.આરની રસી અગાઉ આપી દેવામાં આવી હોય તો પણ આ ઝૂંબેશ દરમ્યાન રસી આપવાની રહેશે. જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આઇ.સી.ડી.એસ., ઇન્ડીયન મેડીકલ એસો., ઇન્ડીયન એસો.ઓફ પીડીયાટ્રીક, સેવાભાવી સંસ્થાઓ, શાળાની આચાર્યશ્રીઓ તમામ લોકોને રાષ્ટ્રહીતનાં આ આરોગ્ય કાર્યક્રમમાં સહયોગ થવા અધિક કલેકટરશ્રી મોદીએ વિશેષ અનુરોધ કર્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ૩ લાખ થી વધુ બાળકોને આવરી લેવા ૪ થી ૫ અઠવાડીયા સુધી આ ઝુંબેશ કાર્યરત રહશે. તેમ જણાવી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.બામરોટીયાએ કહ્યું કે, આરોગ્ય વિભાગે આ રસીકરણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધેલ છે. જિલ્લાનાં તમામ લોકો આ અભિયાનમાં સહભાગી બને તે આજનાં સમયની જરૂરીયાત છે. જિલ્લામાં સફળતાપૂર્વક રસીકરણ માટે યોજાયેલ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ, શ્રી દાફડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહીલ, જિલ્લા માહિતી અધિકારીશ્રી અર્જૂન પરમાર, હેલ્થ વિભાગનાં લાઇઝન અધિકારી ડો.ડોડીયા સહિત સબંધિત વિભાગનાં અધિકારીઓ, શાળાનાં આચાર્યશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં વર્ષે ૪૭૦૦૦ બાળકો ઓરી(measles) અને તેના સાથે જોડાયેલી તકલીફો થવાથી મૃત્યુ પામે છે….નૂરબીબી(રુબેલા) ના ચેપથી ૪૦૦૦૦ બાળકો વિવિધ ખોડખાંપણ સાથે જન્મે છે..!
માત્ર રસીકરણ થી આ અટકી શકે છે…! આ અવસર હવે સામે ચાલીને આપણે દ્વારે આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા ૧૫ જુલાઇ થી ૯ માસ થી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને MR વેકસીનેશન કેમ્પેઇન અન્વયે ઓરી અને નૂરબીબી (મિઝલ્સ રૂબેલા)થી રક્ષિત કરવામાં આવનાર છે. આ અભિયાનમાં એકપણ બાળક અરક્ષિત ન રહે તે જોશો. આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવાના દેશ સેવાના આ અભિયાનમાં આપનું યોગદાન આપશો.