સામાન્ય માનવીને હજારો રજુઆત છતાં પાયાની સુવિધા મળતી નથી તો બીજી તરફ
અંતિમ સ્ટેન્ડિંગમાં મેયર ચૂટણી પૂર્વે મતલક્ષી કામો મંજુર કરવામાં સફળ
સામાન્ય માણસને હજારો રજુઆત કરવા છતાં પાયાની સુવિધા પણ નસીબ થતી નથી તો બીજી તરફ ભાજપના શાસકો હાથમાં તેના મોમાં તે પંક્તિ ચરિતાર્થ કરી રહ્યા છે.શહેરના પ્રથમ નાગરિક મેયર બિનાબેન આચાર્યના મત વિસ્તારમાં માત્ર પેવિંગ બ્લોક નાખવા માટે સ્ટેન્ડિંગ કમીટી દ્રારા 2 કરોડથી વધુનો ખર્ચ આંખો બંધ કરીને મંજુર કરી દીધો હતો.
મેયર સહિતના વોર્ડ નં.10 નગરસેવકોએ કામો મંજૂર થતા જણાવ્યું હતું કે, શાસક પક્ષ જ્યાં માનવી, ત્યાં સુવિધા ના સંકલ્પ સાથે કામગીરી કરી રહેલ છે. પ્રાથમિક સુવિધાની સાથે સાથે શહેરમાં વિકાસના અનેક પ્રોજેક્ટો પૂર્ણ કરેલ છે. ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે ઓવર બ્રિજ/અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે.
શહેરના વિકાસની ગતિ હરણફાળ વધી રહેલ છે. સ્વચ્છતામાં પણ રાજકોટ શહેરએ નવમું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત સ્માર્ટ સિટી હેઠળ પણ અનેક કામો ચાલી રહેલ છે. પાંચ વર્ષના શાસનમાં તમામ વોર્ડમાં અનેક વિકાસ કામો કરવામાં આવેલ છે. તે જ રીતે વોર્ડ નં.10માં રૂ.1 કરોડના ખર્ચે કાલાવડ રોડથી મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી મેઈન રોડ પર તેમજ રૂ.1.04 કરોડના ખર્ચે યુનિવર્સીટી રોડ પ્રેમ મંદિર થી યુનિવર્સીટી ગેઈટ સુધી રસ્તાના બન્ને સાઈડ સોલ્ડરમાં યુટીલીટી ડકટ સાથે પેવિંગ બ્લોક નાખવાનું સ્થાયી સમિતિ દ્વારા મજુર કરતા સ્થાયી સમિતિના ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ સ્થાયી સમિતિના તમામ સભ્યનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.