બાઇક પર આવેલા બે શખ્સો રૂા.1.50 લાખના સોનાના ચેન ઝુટવી ફરાર: સીસીટીવી ફુટેજ મળ્યા
શહેરના કુવાડવા રોડ પર ફોર્ડ સર્વિસ સ્ટેશન અને સંત કબીર રોડ પર માત્ર અડધા જ કલાકમાં બે મહિલાના ગળામાંથી રૂા.1.50 લાખની કિંમતના સોનાના ચેનની બાઇક પર આવેલા બે શખ્સોએ ચીલ ઝડપ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ચીલ ઝડપ કરી ભાગી છુટેલા બંને શખ્સોના સીસીટીવી ફુટેજ મેળવી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ પર આવેલી ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતા વિજયાબેન પરસોતમભાઇ સગપરીયા નામના 55 વર્ષના પટેલ મહિલા અને કુવાડવા રોડ પર ફોર્ડ સર્વિસ સ્ટેશન પાસે રહેતા હંસાબેન દાનસંગભાઇ નકુમના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
વિજયાબેન સગપરીયા પોતાના ઘર પાસે રાતે વોકીંગમાં નીકળ્યા ત્યારે પાછળથી આવેલા આશરે 30 વર્ષની ઉંમરના શખ્સે રૂા.1 લાખની કિંમતના 17 ગ્રામ સોનાના ચેનની ચીલ ઝડપ કરી થોડે દુર ઉભેલા બાઇક પાછળ બેસી ભાગી ગયો હતો. જ્યારે હંસાબેન નકુમ પોતાના ઘર પાસે વોકીંગમાં નીકળ્યા ત્યારે ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરતા હંસાબેન નકુમે પોતાનો ચેન પકડી લેતા અડધો કટકો બાઇક સવાર લઇ ભાગી ગયા હતા.
એસીપી ટંડેલ, પી.આઇ. એમ.સી.વાળા અને પી.એસ.આઇ. એચ.એમ.જાડેજા સહિતના સ્ટાફે સંત કબીર રોડ પર અને કુવાડવા રોડ પર ફોર્ડ સર્વિસ સ્ટેશન પાસેના સીસીટીવી ફુટેજ મેળવતા બંને ચીલ ઝડપના ગુનાનો બંને શખ્સોએ જ કર્યો હોવાનું બહાર આવ્યું છે. તેમજ બંને શખ્સોએ અન્ય મહિલાઓના ગળામાંથી ચેનની ચીલ ઝડપ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.