કોરોનાનો વિકરાળ પંજો ફેલાવવાનું ચાલું જ છે
બપોર સુધીમાં બે ને રાત્રીના આઠ દર્દીએ અંતિમ શ્ર્વાસ લીધા: ૩૭ દર્દી સારવાર લઈ સ્વસ્થ થયા
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ વિકરાળ પંજો ફેલાવવાનું અવિરત ચાલુ રાખતા સમગ્ર જિલ્લાના લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે.જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દસ દર્દીઓના મૃત્યુ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. જો કે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૩૭ કોરોના દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એકીસાથે ૧૦ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે શહેરમાં કોરોનાને કારણે ભયનો માહોલ સર્જાયો છે. જામનગર શહેર અને જિલ્લામાં ગઇ કાલે કોરોનાની સંખ્યામા નહીંવત્ ઘટાડો જોવા મળ્યો છે, જામનગર જિલ્લામાં કુલ૩૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે એકસાથે ૩૭ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧,૪૨૮ નો થયો છે.
જામનગરમાં કોરોના એ ભારે તાંડવ મચાવ્યો છે, છેલ્લા ૪૮ કલાક દરમિયાન જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એકસાથે ૧૦ દર્દીઓના મૃત્યુ નિપજતાં હાહાકાર મચી ગયો છે, ગઈ કાલે બપોર સુધીમાં બે દર્દીઓના મૃત્યુ નિપજયા હતા, પરંતુ ગઈ રાત્રિ દરમિયાન ટપોટપ વધુ આઠ દર્દીઓના મૃત્યુ નિપજતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો ૧૦નો થયો છે, જેથી જામનગરમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે.
જામનગર શહેરના ગઇકાલે વધુ ૨૯ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૧૯૪ નો થયો છે.
તે જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ પોઝિટિવ કેસ મળ્યા છે, જેથી જામનગર ગ્રામ્ય વિસ્તારનો આંકડો ૨૩૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧,૪૨૮ ની થઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં થી એક સારા સમાચાર પણ મળ્યા છે. એકીસાથે ૩૭ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લાંબા સમય પછી પહેલી વખત દાખલ થનાર દર્દી કરતા ડિસ્ચાર્જ દર્દીઓનો આંકડો મોટો છે.