રાજકોટમાં નવ દિવસની સારવારના અંતે કોરોનાના યોદ્ધાઓ વૃદ્ધાને ના બચાવી શક્યા : ૪૨મા દિવસે પ્રથમ મોત

રાજ્યમાં વધુ ૧૭ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો : મૃત્યુઆંક ૨૦૦ની નજીક

રાજ્યમાં કોરોનાએ પોતાનો પ્રકોપ ઝારી રાખતા છેલ્લા ૧૦ દિવસથી રોજ ૨૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે રાજ્યના ૧૨ જિલ્લામાં વધુ ૩૦૮ પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૦૦૦ની પાર પહોંચ્યો છે. જ્યારે વધુ ૧૬દર્દીઓના કોરોના વાયરસે ભોગ લેતા મૃત્યુઆંક ૨૦૦ની નજીક પહોંચ્યો છે. જ્યારે રાજકોટમાં નવ દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલા ૬૦વર્ષના વૃદ્ધાને કોરોના યોદ્ધાઓએ બચવાના પ્રયાસ છતાં ગઈ કાલે વૃદ્ધાએ સારવારમાં દમ તોડતા ૪૨ દિવસમાં રાજકોટમાં પ્રથમ મોત નિપજ્યું છે.

ગુજરાતમાં ગઈ કાલે વધુ ૧૨ જિલ્લાઓમાંથી ૩૦૮ પોઝિટિવ કોરોના દર્દીઓના રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં બીજી વખત એક દિવસમાં ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય રેડઝોનમાં આવતા જિલ્લામાં વડોદરામાં ૨૨ અને સુરતમાં ૩૧ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૨ જિલ્લામાંથી ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત ૧૦ દિવસથી ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા રહ્યા છે. જેનાથી પોઝિટિવ કેસનો આંકડો ૪હજારને પાર પહોંચી ગયો છે.

રાજકોટમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવ્યાના ૪૨ દિવસ બાદ જંગલેશ્વરના ૬૦ વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. નવ દિવસ પહેલા પોઝિટિવ આવેલા જંગલેશ્વરના વૃદ્ધા ને હાઇપર ટેન્સનની બિમારીથી પીડાતા હોય જેની સારવાર માટે લડતાં કોરોનાના યોદ્ધાઓ સખત મહેનત બાદ પણ તેઓને બચાવી શક્યા ન હતા. સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વૃદ્ધાને કોરોનાની અસર વધુ પડતા થઈ ગયા બાદ તેઓને બે દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અને આખરે ગઈ કાલે તેમને બેંગ્લોરથી સોડિયમ હાઇપર ક્લોરાઇડ નામનું રૂ.૩૭,૦૦૦ની કિંમતનું ઈન્જેકશન આઇવી ફ્લુઇડ દ્વારા બટલમાં નાખી આપવામાં આવ્યું હતું. એક કલાકના સમયગાળા બાદ જ વૃદ્ધાએ દમ તોડ્યો હતો.

રાજકોટમાં ગઈ કાલે વધુ ૧૫૮ સેમ્પલ કોરોના શંકાસ્પદ ના આધારે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૪૫ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.અને વધુ ૧૩ સેમ્પલ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે અત્યાર સુધી રાજકોટમાં કુલ ૫૯ દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ અને ૧નું મોત નિપજ્યું છે. જ્યારે ગઈ કાલે વધુ એક દર્દી સાજા થઈ જતા તેઓને આઇશોલેસન વોર્ડમાંથી રજા આપું કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૪૦થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં રાજકોટમાં નોંધાયેલા જંગલેશ્વરના વૃદ્ધાના પ્રથમ મોત સહિત ત્રણ જિલ્લામાં વધુ ૧૬ દર્દીઓના મોત નિજતા કુલ ૧૭ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. રાજ્યમાં અત્યાર સુધી મોત ની સંખ્યા ૨૦૦ની નજીક પહોંચવા આવ્યો છે. અને છેલ્લા ૧૦દિવસથી સતત ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ૪હજારને પાર પહોંચ્યો છે.

00111

રાજકોટમાં સામાજિક કાર્યકર્તાએ કોરોના સામેનો જંગ જીત્યો

ગઈ કાલે શહેરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસની સાથે કુલ સંખ્યા ૫૯ પર પહોંચી છે. જ્યારે ગત તા.૧૮મી ના કોરોના પોઝિટિવ આવેલા હબીબમિયા સૈયદ એટલે કે મુન્નાબાપુ સામાજિક કાર્ય દરમિયાન કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેના બે રિપોર્ટ નેગેટિવ આવતા તેઓએ હિંમતથી કોરોના સામેની જંગ જીતી છે. તેમને હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત તમામ સ્ટાફની કાર્યવિધીને વખણાવી છે. તેમને હાલ સમરસ હોસ્ટેલ ખાતે ૧૪ દિવસ માટે કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃત્યુ બાદ તંત્રની દેખરેખ હેઠળ દફનવિધિ કરાઈ

રાજકોટમાં કોરોનાનો સિલસિલો ૪૨ દિવસથી શરૂ થયો છે. જંગલેશ્વર વિસ્તારમાં પ્રથમ કેસ નોંધાયા બાદ હાલ એ જ વિસ્તારના ૫૦ જેટલા લોકો ઝપેટમાં આવી ગયા છે. જ્યારે ગઈ કાલે કોરોનાગ્રસ્ત જંગલેશ્વરના વૃદ્ધાનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું હતું. શહેરમાં ૪૨ દિવસમાં પ્રથમ મોત નોંધાતા વૃદ્ધાની દફનવિધિ તંત્રની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. જેમાં માત્ર ચાર પરિવારજનો સાથે વૃદ્ધાના મૃતદેહને સ્પેશિયલ કિટમાં વિટી કબ્રસ્તાનમાં દફન કરવા જે ખાડો ખોદવામાં આવ્યો તેમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રક્રિયા ફાયર બ્રિગેડ અને હોસ્પિટલના અને તંત્રની દેખરેખ હેઠળ ગતિવિધિ કરવામાં આવી હતી. મૃતક વૃદ્ધા નવ દિવસ પહેલા કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગઈ કાલે તેમના બે પુત્રોને પણ કોરોના પોઝિટિવ આવતા આઇસોલેટ કરતા બન્ને પુત્રો માતાને જોઈ શક્યા હતા. પુત્રોને વોર્ડમાં આવ્યાની એક કલાક બાદ જ વૃદ્ધાએ દમ તોડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.