નારગોલનો દરિયો 10 વર્ષમાં 30 ફૂટ આગળ વધતા લોકોમાં ચિંતા

 

અબતક, ગાંધીનગર

વલસાડ જિલ્લામાં નારગોલ દરિયો 10 વર્ષમાં 30 ફૂટ વસ્તી તરફ આગળ વધતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગામનો દરિયા કિનારે વર્ષોથી ધોવાણ થઈ રહ્યું છે. જેને અટકાવવા માટે જરૂરી સુરક્ષા દીવાલની માંગણી નારગોલ ગામના સરપંચે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર લખી કરી છે.

ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ દરિયા કિનારે વસેલું ગામ છે. ગ્લોબિંગ વોર્મિંગના કારણે છેલ્લા પંદર વર્ષમાં કાંઠાના જમીન દરિયાઈ ધોવાણની ચપેટમાં આવતા દરિયો ઝડપથી વસ્તી તરફ આવી રહ્યો છે. નારગોલ બંદર વિસ્તારમાં દરિયાઈ ધોવાણ વધુ ઝડપથી થઈ રહ્યું છે. ભૂતકાળમાં તેમજ વર્તમાન સમયે બનેલ સુરક્ષા દીવાલ અપૂરતી હોવાથી હજી 2000 મીટર સુરક્ષા દીવાલની જરૂરિયાત હોવાથી નારગોલ ગામના કાંઠાનું ધોવાણ અટકાવવા માટે નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખી રજૂઆત કરી છે.

દરિયાઇ ધોવાણના કારણે અત્યાર સુધી અનેક જાહેર મિલકત જેવી કે સ્મશાન ભૂમિના મકાનો, વન વિભાગના હજ્જારો વૃક્ષોને નુકશાની થઈ ચૂકી હોવાનું દશ વર્ષની અંદર દરિયો 30 ફૂટ વસ્તી તરફ આગળ ધપી ચૂક્યો છે. 10 વર્ષ પહેલા નારગોલ માછીવાડના પૂર્વ અને દક્ષિણ દિશામાં પત્થરની સુરક્ષા દીવાલ બનાવાઇ હતી. તાજેતરમાં 200 મીટર માંગેલવાડ ખાતે, 330 મીટર માલવણ બીચ ખાતે પત્થરની સુરક્ષા દીવાલ નિર્માણ ચાલી રહ્યું છે પરંતુ હજી ઘણો વિસ્તાર ધોવાણની ચપેટમાં આવી રહ્યો હોય સત્વરે આયોજન કરી નારગોલના દરિયા કિનારે જરૂરી સુરક્ષા દીવાલનું નિર્માણ કરવામાં માગ કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.