દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટાથી અનેક સ્થળે હળવો વરસાદ, ગરમીથી  લોકોને મળી રાહત: સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ

ઉત્તર ભારતમાં પડી રહેલી ભયંકર ગરમી બાદ કેરળમાં ચોમાસાની શકયતા પ્રબળ બની છે. આ સાથે જ આજે વહેલી સવારી મુંબઈમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તેમજ વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદી છાંટા જોવા મળ્યા છે. વલસાડના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ તેમજ નવસારીના ચિખલી, બીલીમોરા અને ગણદેવીમાં વરસાદી છાંટા પડતા લોકોને ગરમીમાંથી આંશીક રાહત મળી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં હજુ વરસાદના એક પણ એંધાણ જોવા મળ્યા ની. સૌરાષ્ટ્રમાં અસહ્ય ગરમીથી અનેક બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે.

હાલમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે આજે નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ગુજરાતમાં ૩ જુલાઈ સુધીમાં વરસાદ પડશે અને ગુજરાતમાં આ વખતે ૧૫ દિવસ મોડુ ચોમાસું શરૂ થશે. ૧૫ જુનથી ઝાપટા પડવાની શરૂઆત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુનાગઢ અને ડાંગમાં પડે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં પુરની પણ સંભાવના જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં પ્રમાણસર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. કચ્છનાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના જણાઈ રહી છે.

દિલ્હી, હરીયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસનમાં ભયંકર ગરમી પડી રહી છે.

ગુજરાતમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી આકાશમાંથી અગ્નિવર્ષા વરસી રહી છે. ગઈકાલે પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો ત્યારે આજે નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે પરંતુ એકબાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મુંબઈમાં પણ આજે વહેલી સવારે હળવો વરસાદ પડયો હતો. મુંબઈના અંધેરી અને પવઈ વિસ્તારમાં વરસાદ પડતા લોકોને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળ્યો છે.

કાળઝાળ ગરમીની વચ્ચે બધા જ વરસાદની રાહ જોઈ રહ્યાં છે ત્યારે ગુજરાતમાં આગામી ૧૦ થી ૧૫ દિવસમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે.

જો કે, આજે ઉત્તર ગુજરાતમાં હળવા છાંટા સાથે વરસાદની પધરામણી થઈ ગઈ છે. મુંબઈમાં વરસાદ પડવાને લીધે ગુજરાતમાં પણ અમુક વિસ્તારમાં આજે વરસાદી છાંટા જોવા મળ્યા હતા. જેને લઈ લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. જો કે, છાંટા પડતા જ ખેડૂતોની ચિંતામાં વધારો યો છે. કેરીના પાકને નુકશાન જવાની ચિંતા ખેડૂતોમાં ભય ફેલાવી રહી છે. જો કે સૌરાષ્ટ્રમાં વરસાદના હજુ કોઈપણ એંધાણ દેખાઈ રહ્યાં ની. ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે અસહ્ય ગરમીમાં વરસાદ કયારે આવે તેની સૌરાષ્ટ્રવાસીઓ રાહ જોઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈના અંધેરી અને પવઈ વિસ્તારમાં તેમજ વલસાડના પારડી, નવસારીના ચિખલી, ગણદેવી વિસ્તારમાં આજે વહેલી સવારે વરસાદી છાંટા પડતા સૌરાષ્ટ્રમાં પણ હવે થોડા દિવસોમાં વરસાદની પધરામણી થાય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.