ચોટલી બચાવવા માટે  મહિલાઓ હવે હેલમેટ પહેરીને સૂઈ જાય છે તેમજ જગ માથામાં ભરાવીને બેસી રહ્યાની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો

ઉત્તર ભારત બાદ હવે ગુજરાતમાં ચોટલા કપાવાના કિસ્સાઓમાં વધારો થયો છે. શુક્રવારે એક જ દિવસમાં રાજયભરમાં છ મહિલાઓના ચોટલા કપાયાંના બનાવો નોંધાયા છે. ઉત્તર ગુજરાતમાં ખેરાલુ પંથકમાં વધુ બે મહિલા, સુરત, રાજકોટ, ધારી, ભુજમાં ચોટલા કપાવાની એક-એક ઘટના નોંધાઈ છે. પોલીસે આ મામલે લોકોને અંધવિશ્વાસ અને અફવાથી દૂર રહેવાની સલાહ આપી છે.

ખેરાલુ શહેરમાં શુક્રવારે શહેરના મોચીવાડાની એક અને દેલવાડાની એક એમ વધુ બે મહિલાઓની ચોટી કપાતાં લોકો ભયભીત થઇ ઊઠ્યા છે. જોકે, મોચીવાડાની મહિલાએ કાળી બિલાડીએ ચોટી કાપી હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરીજનોમાં ભારે આશ્ચર્ય પ્રસરી રહ્યું છે.જયારે રાજકોટમાં વધુ એક મહિલાનો ચોટલો કપાયો છે. બાલાજી હોલ પાછળ ઓમનગરમાં રહેતા ઈન્દુબેન રહેવર ગુરુવારે પોતાના પરિવારના સભ્યો સાથે ઊંઘી રહ્યાં હતા. સવારે ઊંઘમાંથી જાગતાં તેમની ચોટલી કપાયેલી જોવા મળી હતી. સુરતના કીમના પૂર્વ વિસ્તારમાં મુન્ના એજન્સીની નજીકમાં ભીખ માંગવાના બહાને ભરબપોરે એક મહિલા પૂનમ શર્માના ઘરમાં આવી હતી. ભીખ માગતી આ મહિલાએ તેણીના વાળ કાપી નાખ્યા હતાં. વાળ કપાવાની ઘટનાથી હેબતાઈ ગયેલી પૂનમ નામની મહિલા બેભાન થઈ ઘરમાં જ ઢળી પડી હતી. ગાંધીધામના કૈલાશધામ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા રર વર્ષનાં ગીતાબેન ભીમકુમારનો ચોટલો કપાઈ જવાની ઘટનાથી શુક્રવારે સવારે બની હતી. પોતાનો ચોટલો કપાઈ જવાની ઘટનાથી ગીતાબહેન અર્ધબેભાન થઈ જતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે જાણ કરાઈ હતી. અમરેલી જિલ્લાની પ્રથમ ઘટના ધારીમાં બની હતી. વેકરિયા પરા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જમાં રહેતા પરિવારની યુવાન પુત્રીનો ચોટલો કોઈ કાપી ગયું હતું. સવારે આ અંગે જાણ થતાં યુવતી બેભાન થઈ જતાં સારવાર અર્થે ખસેડવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.