પુલવામાં થયેલા આંતકી હુમલાને પગલે સૌરાષ્ટ્રભરમાં સતત બીજા દિવસે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વેપારીઓએ સ્વયંમભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તો કેટલાક વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ રાખી નફો શહીદ પરિવારનાં નામે કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, કેશોદ, ભેંસાણ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર બંધ પાળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઉના નગરપાલીકા દ્વારા આજે બપોરે ચાર વાગ્યા બાદ સર્વે વેપારીઓને પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉનાના પોસ્ટ ઓફિસ ચોક ખાતે સાંજના પાંચ કલાકે સૌ નગરજનોને હાજર રહેવા જણાવ્યું છે.
જ્યારે કેશોદમાં વ્યાપારી મહામંડળ દ્વારા તમામ વેપારીઓને દિવસભર શહેર બંધ રાખવા અપીલ કરી છે. ભેંસાણ શહેરને બપોર સુધી સજ્જડ બંધ પાડી રાષ્ટ્રીય શોક પાડશે તેવું એલાન કરાયું છે.
ત્યારે સાબરકાંઠાજિલ્લાના ઇડર શહેરમાં વેપારીઓએ બંધ પાળ્યો છે, ઇડર શહરે ના વેપારીઓએ દેશના સપૂતોને શહાદતમાં શોક અનુભવી પોતાના રોજગારો બંધ રાખ્યા હતા.